અમદાવાદ, સોમવાર
ગૃહ કલેશના કારણે નરોડામાં લગ્નના સાત વર્ષ બાદ મહિલાનો ઘર સંસાર બગડી ગયો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નરોડામાં રહેતી મહિલાએ પતિ સહિત સાસરીયાના ત્રાસથી કંટાળીને પેઇનકિલરની દસ ગોળી ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને લગ્નના ચાર મહિના બાદ પતિ સહીત સાસરીયા ત્રાસ આપતા હતા. ગોળીઓ ખાધાની પતિને જાણ થતા તે પત્નીને તાત્કાલીક સારવાર માટે લઇ ગયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતાના અવસાન બાદ પિયર જવા દેતા ન હતા, તબિયત સારી ન હોવા છતાં ઘઉ સાફ કરવા દબાણ કરતા કંટાળીને પેઇન કીલરની દસ ગોળીઓ ખાધી
નરોડામાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૭માં લગ્ન બનાસકાંઠા ખાતે થયા હતા. ત્યારબાદ તે નરોડા સાસરીમાં રહેવા આવી હતી. જ્યાં ચાર મહિના બાદ સાસુ નાની નાની બાબતે ઝઘડો કરતા હતા. ઉપરાંત નણંદ પણ અવાર નવાર તકરાર કરતી હતી. જેથી મહિલા પતિને જાણ કરી તો પતિ ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો.
એક સમયે છ મહિના સુધી પિયરમાં રહી હતી ત્યારબાદ બન્ને પક્ષના સભ્યો ભેગા થઇ સમાધાન કરીને પરત લઇ આવ્યા હતા. થોડા સમયબાદ ફરીથી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું, ૨૦૨૨માં પિતાનું મોત થયુ હોવા છતા સાસરીયા પિયર જવા દેતા ન હતા ગઇકાલે તબિયત સારી ન હોવા છતાં ઘઉં સાફ કરવા માટે દબાણ કરતા હતા જેથી સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ પેઇન કિલરની દસ ગોળીઓ ખાઇને ભાઇને ફોન કરીને ભાણીયાને સાચવજો કહીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.