સુરત
સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપી વિરુધ્ધ
પ્રથમદર્શનીય કેસમાં FSLનો રિપોર્ટ બાકી હોઈ કોર્ટે જામીન નકાર્યા
ગેરકાયદે
ગેસ રીફીલીંગ દરમિયાન બેદરકારી દાખવીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવવાના કેસમાં
કતારગામ પોલીસે જેલભેગા કરેલા આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને મુખ્ય
જિલ્લા સેશન્સ જજ અતુલકુમાર આઈ.રાવલે નકારી કાઢી છે.
કતારગામ
જીઆઈડીસી સર્કલ પાસે ગઈ તા.25-12-23ના રોજ કોમર્શિયલ ગેસના બાટલામાં કાયદેસરના લાયસન્સ કે કોઈપણ જાતની સેફટી
વગર નાના બાટલામાં ગેરકાયદે રીફીલીંગ કરવા દરમિયાન આગ લાગતા આરોપી દુકાનદાર મુન્ના
વિનોદ પટેલ(રે.કોસાડ આવાસ,અમરોલી)દુકાનમાં કામ કરતાં
ઓમપ્રકાશ રાઉત,ગ્રાહક છોટુકુમાર મહંતો તથા ગ્રાહક ભૈરવસિંગ સગડ ગંભીર રીતે દાઝી
ગયા હતા.જે પૈકી આરોપી દુકાનમાલિક મુન્ના પટેલ સિવાયના ત્રણ લોકો મૃત્યુ પામતાં
કતારગામ પોલીસે આરોપી દુકાનદાર વિરુધ્ધ ઈપીકો-304,308ના ગુનો
નોંધી ધરપકડ કરીને જેલભેગો કર્યો હતો.
હાલમાં
જેલવાસ ભોગવતા આરોપી મુન્ના પટેલે ચાર્જશીટ રજુ થયા બાદ જામીનની માંગ કરી
હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે આ કેસમાં ભોગ બનનાર કે તેના સગાએ ફરિયાદ કરી નથી
પરંતુ પોલીસ ફરિયાદી બની છે.આરોપી પોતે પણ ગંભીર રીતે દાઝી ગયા હોઈ જેલમાં પણ
સારવાર ચાલે છે.જેથી આરોપીનો ગુનાઈત ઈતિહાસ કે ઈરાદો ન હોઈ જામીન આપવા માંગ કરી
હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ
કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ થઈ ગયું છે પરંતુ એફ.એસ.એલ.નો
રિપોર્ટ બાકી છે.આરોપીએ ફાયર સેફટીની કાળજી લીધા વિના જાનમાલને નુકશાન થાય તેવું જાણકારી ધરાવતા હોવા
છતાં ગેરકાયદે ગેસ રીફીલીંગનું કામ કરતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.જેને
કોર્ટે માન્ય રાખી ગુનાની ગંભીરતાને ધ્યાને પરપ્રાંતીય આરોપીને જામીન આપવાથી નાસી
ભાગી જાય અને ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવનાનો નિર્દેશ આપ્યો છે.