-માનગઢ ચોકમાં પાસના નેતાના પ્રવેશ સમયે વરાછાના ધારાસભ્યની ગેરહાજરી લોકોમાં ચર્ચાનો વિષય 

-ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે,  મારા સિદ્ધાંત ના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો …કુમાર કાનાણી

લોકસભાની ચૂંટણી પહેલા સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા બાદ સુરત એપી સેન્ટર બની ગયું છે. ભાજપના ઉમેદવાર બિનહરીફ બનવા માટે શહેરમાં અનેક ચર્ચા  ચાલી રહી છે ત્યારે સુરતના પાસના નેતા અને વિધાનસભામાં આપમાંથી ચૂંટણી લડેલા બે ઉમેદવાર ભાજપમાં જોડાયા તેની ચર્ચા થઈ તેના બદલે આ કાર્યક્રમમાં સુરત વરાછા રોડ ના ધારાસભ્ય કુમાર કાનાણીની ગેરહાજરી ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.  ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે,  મારા સિદ્ધાંત ના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો તેવા કાનાણીના નિવેદન બાદ સુરતનું રાજકારણ ફરીથી ગરમાયું છે. 

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળામાં ગત સપ્તાહમાં આપના વિધાનસભાના ઉમેદવાર અને પાસના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિત પાસ ના અનેક યુવાનો જોડાયા છે. પાસના નેતાઓ ભાજપમાં જોડાયા તેના કરતાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા તે મુદ્દો રાજકારણ માં જોર પકડી રહ્યો છે. 

પાસના યુવાનો ભાજપમાં આવ્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણી નારાજ છે તેથી તેઓ હાજર રહ્યા ન હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે, આ અંગે કુમાર કાનાણીએ એક સ્પષ્ટતા કરી છે કે, ભાજપનો નિર્ણય એક કાર્યકર તરીકે શિરોમાન્ય છે. આ નિર્ણયથી તેઓ નારાજ નથી પરંતુ કાર્યક્રમમાં તેમના કેટલાક સિધ્ધાંતના કારણે હાજર રહ્યા ન હતા. વધુમાં કાનાણીએ જણાવ્યું હતું કે,  આ નિર્ણય તેમનો અંગત છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં હું કેટલાક સિધ્ધાંતને લઈને ચાલી રહ્યા છું. મારા વ્યક્તિગત સિધ્ધાંતને લઈને હું હાજર રહ્યો ન હતો. હું સિધ્ધાંતો સાથે રાજનીતિ કરી રહ્યો છું. એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો કે વિરોધ પક્ષ અંગે જે કંઈ બોલીએ છીએ તે લોકો યાદ રાખે છે. લોકોને યાદ છે કે આપણે આગળ શું બોલ્યા હતા અને કાલે શું બોલ્યા હતા. લોકોને આપણે બોલેલું બધુ જ યાદ હોય છે. રાજકીય રીતે લોકોમાં છાપ હોય છે કે બોલેલા હોય તે ફરી જાય છે.

આજે એક પાર્ટીને ગાળો દેતા હોવ અને કાલે એ પાર્ટીમાં જોડાઈ જાવ તેને લોકો જાણે છે અને હું આ કેટેગરીનો નથી.વરાછા રોડ પર લોકોમાં મારી ઈમેજ છે અને મારા સિધ્ધાંતો જાણે છે તેમાથી હું હટી નહી જાઉ તે જરૂરી છે. લોકોમાં મારી છાપ ખરાબ ન પડે તે અને લોકો મારી ઈજ્જત જાળવવા માટે તથા લોકોએ મારા પર જે ભરોસો મૂક્યો છે તેને જાળવવા માટે તથા લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે તેને જાળવી રાખવા માટે હું કાક્રમમાં હાજર રહ્યો ન હતો. વરાછાના મતદારોએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે તે જાળવી રાખવાની મારી ફરજ છે.આ મારો અંગત નિર્ણય છે અને મારા સિધ્ધાંત છે તેને જાળવી રાખવા માટે હું હાજર રહ્યો ન હતો બાકી મારે પક્ષના નિર્ણય સાથે કોઈ નારાજગી નથી. 

આ ઉપરાંત કાનાણીએ વધુમાં કહ્યું હતું કે, મને મારા હરીફ અંગે કોઈ ચિંતા નથી. એક ભાજપનો કાર્યકર જો મારો હરીફ બને તો મને ખુશી થાય.  મારો હરીફ હંમેશા ભાજપનો કાર્યકર હોવો જોઈએ. કોઈ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાથી કોઈનું હરીફ થવાતું નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *