– નેબ્રાસ્કાનાં ઓમાહો લિંકન અને વૉટર્લૂ શહેરોમાં વ્યાપક તબાહી : નેશનલ વેધર સર્વિસે તુર્ત જ ટોર્નેડો ઇમર્જન્સી જાહેર કરી
ન્યૂયોર્ક : અમેરિકાના મધ્યભાગમાં આવેલાં રાજ્ય નેબ્રાસ્કામાં શુક્રવારે ઉપરા ઉપરી ચક્રવાતો આવતાં વ્યાપક તબાહી મચી ગઈ હતી. આથી રાજ્યનાં ઓમાહા, લિંકન, વેવર્લી અને વોટર્લૂ શહેરોમાં જનતામાં ભય અને અંધાધૂંધી ફેલાઈ ગયાં હતાં. આ ટોર્નેડોને લીધે ઓછામાં ઓછાં ૩૦થી ૪૦ મકાનો તો જમીન દોસ્ત થઇ ગયાં હતાં. તેની ફનલની ટીમમાં આવેલા વિસ્તારોનાં તો ઝાડ પણ ઉખડી ગયાં હતાં. સમગ્ર રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઇ હતી. જો કે નેશનલ વેધર સર્વિસે તુર્ત જ ટોર્નેડો ઇમરજન્સી જાહેર કરી બચાવ અને સહાય કાર્ય હાથ ધર્યું હતું.
આ ટોર્નેડોને લીધે લોકોને ફરજિયાત ઘરમાં જ પૂરાઈ રહેવું પડયું હતું. તો બીજી તરફ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર એક બીજાનો સંપર્ક સાધી રહ્યા હતા. સર્વે એકબીજાને સલામત સ્થળે આશ્રય લેવા જણાવતા હતા. નેશનલ વેધર સર્વિસના કર્મચારીઓએ પણ સર્વેને સલામત સ્થળે પહોંચી જવા જણાવ્યું હતું. હજી સુધીમાં આ ટોર્નેડોને લીધે કોઇના જાન ગયા હોય તેવી માહિતી મળી નથી પરંતુ તેથી કેટલાકના જાન ગયા હોવાની સંભાવના સહજ રીતે જ નકારી શકાય તેમ નથી.
આટલું જ નહીં પરંતુ એક ટોર્નેડો આવ્યા પછી બીજા બે ટોર્નેડો પણ રાજ્યમાં ફરી વળ્યા હતા તેટલું જ નહીં પરંતુ બાજુનાં રાજ્યોએ પણ તેમણે તબાહી ફેલાવી હોવાની આશંકા દર્શાવાઈ રહે છે.
જાણકારો જણાવે છે કે આ ગરમીમાં રોકીઝ પર્વતમાળા તપતી હોવાથી તેની આસપાસનું હવામાન ગરમ થયું હશે તે હવા ઉપર જતાં ઉત્તરપૂર્વની હવા ત્યાં ધસી જતાં આ ચક્રવાતો યોજાયા હોવાની સંભાવના છે.