અમદાવાદ,
રવિવાર
અમદાવાદના આશ્રમ રોડ પર એવર ગ્રો નામની કંપનીની ઓફિસ શરૂ કરીને
ગોવા તેમજ અન્ય સોલાર પ્રોજેક્ટના નામે રોકાણની
સામે ઉંચા વળતરની લાલચ આપીને અનેક લોકો સાથે લાખોની રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓ
સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સિનિયર સિટીઝન મહિલા અને તેના પુત્ર સાથે
રૂપિયા ૬૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. શેલામાં આવેલા શીવાલીક પાર્કવ્યુમાં રહેતા ૮૭ વર્ષીય પ્રતિમાબેન
રાવલે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૯માં તેમના
દીકરા વિવેકનો પરિચય હર્ષ સોંલકી નામના યુવક
સાથે થયો હતો. વિવેક ગિટાર વગાડતો હોવાથી ભવિષ્યમાં કોઇ પ્રોજેક્ટ માટેનું કહીને તેણે
મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ હર્ષ તેની સાથે પપ્પુ નિમાવત નામના અન્ય યુવકને
મળવા લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે એવર ગ્રો કંપનીમાં આસીટન્ટ મેનેજર તરીકે નોકરી
કરે છે. તેમની કંપની રોકાણ પણ પ્રતિમાસ પાંચ ટકા જેટલુ વળતર પણ આપે છે. આમ,
વિવેક અને તેની માતા પ્રતિમાબેન પાસેથી રોકાણ કરાવ્યું હતું.
આ દરમિયાન કંપનીના ફાઇનાન્સીયલ હેડ દિપક શાહ
અને ડીરેક્ટર હીરેન જોગાણી તેમજ અન્ય આરોપીએ
સાથે મળીને તેમને ગોવાના કન્વેશન હોલ અને સોલાર પ્રોજેક્ટના નામે કુલ ૬૧ લાખનું રોકાણ કરાવીને નાણાં પરત આપ્યા નહોતા.
આ અંગે નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.