આગામી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટે પાલિકા તંત્ર ચૂંટણી તંત્રનો આદેશ બાદ કામગીરી કરી રહી છે. સુરત લોકસભાની ચૂંટણી ભલે બિનહરીફ થઈ પણ નવસારીમાં વધુ મતદાન માટે કવાયત થઈ રહી છે. જેના અંતર્ગત સુરત પાલિકાની સ્કૂલો દ્વારા સોમવારે બાઈક રેલી મંગળવારે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે 3 મે સુધી મતદાન જાગૃતિ અભિયાન કરશે. વધુમાં વધુ લોકો મતદાન થાય તે માટેની જાગૃતિ કરવા માટે શિક્ષણ સમિતિની શાળામાં ચિત્ર સ્પર્ધા સાથે સાથે સામુહિક મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ના શિક્ષકો અને પાલિકા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામા આવ્યા છે. શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા પુરી થઈ છે અને પરિણામની તૈયારી થઈ રહી છે. તેની સાથે સાથે શિક્ષણ સમિતિના શિક્ષકો અને પાલિકાના કર્મચારીઓ આગામી લોકસભાની ચુંટણી માટે વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે.
સુરત લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યાર બાદ અન્ય પક્ષોએ ઉમેદવારીપત્રક પાછું ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં સુરત લોકસભા વિસ્તારમાં ચૂંટણી યોજાશે નહીં. જોકે, સુરત પાલિકા વિસ્તારમાં અનેક ભાગ નવસારી લોકસભામાં આવે છે તેના કારણે લોકોમાં હજી મતદાન કરવા માટે અવઢળ થઈ રહી છે. તેના કારણે વહીવટી તંત્ર દ્વારા ક્યાં વિસ્તારમાં મતદાન કરવાનું છે તે માટે લોકોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
સુરત પાલિકામાં સમાવિષ્ટ નવસારી લોકસભા વિસ્તારમાં સૌથી વધુ મતદાન થાય તે માટે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ, વાલીઓ અને પાલિકા કર્મચારીઓ દ્વારા આવતીકાલ સોમવારે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા આ રેલી કતારગામ વિસ્તારમાં યોજાવાની હતી પરંતુ આ વિસ્તારમાં ચૂંટણી યોજાવાની ન હોય હવે કતારગામ ને બદલે લિંબાયત વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાશે. આ બાઈક રેલી ડિંડોલી ચાર રસ્તા પરથી યોજાશે.