વડોદરાઃ અલકાપુરી હવેલીના મુખિયાજીનો ગૂમ થયેલો ૧૫ વર્ષના પુત્રનું દસ દિવસ બાદ અકોટા પોલીસ સ્ટેશનમાં મધરાતે મિલન થયું ત્યારે ભાવવાહી દ્શ્યો સર્જાયા હતા.પિતાને જોતાં જ તેમના પગમાં પડી જઇ પુત્રએ ભૂલનો અહેસાસ કર્યો હતો.જ્યારે ચોધાર આંસુએ રડી રહેલી માતાને ભેટી પડી હવે પછી આવું પગલું નહિં ભરૃં તેવી ખાતરી આપી હતી.
અલકાપુરી હવેલીના મુખિયાાજી જોગારામનો ૧૫ વર્ષીય પુત્ર ગઇ તા.૧૮મીએ બપોરે લાપત્તા થઇ જતાં તેની શોધખોળ કર્યા બાદ મુખિયાજીએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આઠ દિવસે તેનો વૃન્દાવનના આશ્રમમાંથી પત્તો મળતાં પરિવારજનો અને પોલીસ તેને ગઇ મધરાતે વડોદરા લાવ્યા હતા.જ્યાં માતા-પિતાને જોતાં જ તે ગળગળો થઇ ગયો હતો.
અકોટાના પીઆઇ વાય જી મકવાણા અને ટીમે કિશોરને તબીબી સારવારની વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક તબક્કે કિશોર અમદાવાદ પહોંચ્યો ત્યારે દ્વારિકાની બસ ઉભી હોવાથી તેમાં બેસી ગયો હોવાની અને ત્યાં દર્શન કર્યા બાદ અમદાવાદઆવ્યો હોવાની વિગતો ખૂલી છે.તેણે અનેક લોકોને પૂછ્યું હતું અને વૃન્દાવન જવા માટે કાનપુર અને ત્યાંથી મથુરા જવા નીકળ્યો હતો.પરંતુ તેની પાસે પૈસા ખૂટી જતાં અધવચ્ચે ઉતરી ગયો હતો અને મથુરા ચાલતો જતો હતો.
આ દરમિયાન એક રિક્ષા ચાલકે તેને બેસાડયો હતો.કિશોરે ભાડું નથી તેમ કહેતાં રિક્ષાવાળાએ ઠાકોરજી ભાડું આપી દેશે તેમ કહી તેને વૃન્દાવન પહોંચાડયો હતો.જ્યાં એક દુકાનદાર તેની મદદે આવ્યો હતો. વેપારીએ પૂછપરછ કર્યા બાદ આવી રીતે ઘર છોડવું ના જોઇએ તેમ કહી સમજાવ્યો હતો.તેણે નાહવા અને જમવાની વ્યવસ્થા કરી હતી અને બીજીતરફ કિશોરને તેના પિતા સાથે વાત કરાવી હતી.
આધ્યાત્મિક રંગે રંગાયો હોવાથી કિશોરને હવેલીથી દૂર વતનમાં લઇ જવાશે
આધ્યાત્મિક રંગે રંગાઇને ૧૫વર્ષના કિશોરે અલકાપુરીની હવેલી ખાતેનું રહેઠાણ છોડી વૃન્દાવનની વાટ પકડી હોવાથી હવે તે ફરીથી આવું કૃત્ય ના કરે તે માટે પરિવારજનો ચિંતિત છે.કિશોરના પિતાએ કહ્યું હતું કે,થોડો સમય તેને હવેલીમાંથી દૂર રાજસ્થાન ખાતે વતનમાં લઇ જવાશે.ત્યાં થોડો સમય વિતાવ્યા બાદ ફરી વડોદરા રહેવા લાવીશું.હાલમાં મારો પુત્ર સ્વસ્થ છે,તેને પશ્ચાતાપ પણ થઇ રહ્યો છે.આજે તે મિત્રો સાથે ક્રિકેટ પણ રમ્યો હતો.