Image:IANS

Angkrish Raghuvanshi’s Coach Abhishek Nayar : IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના અંગક્રિશ રઘુવંશીએ ગઈકાલે દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકારી હતી. આ સાથે રઘુવંશી 18 વર્ષ અને 303 દિવસની ઉંમરે IPLના ઈતિહાસમાં ફિફ્ટી ફટકારનાર સાતમો સૌથી યુવા બેટર બન્યો હતો. આ સાથે જ રઘુવંશીએ પોતાનું નામ જ નહીં પરંતુ પોતાના ગુરુનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે.

અંગક્રિશની સફળતા પાછળ તેના ગુરુનો હાથ

દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકાર્યા પછી KKRના અંગક્રિશ રઘુવંશીએ કહ્યું કે તેની સફળતા પાછળનું કારણ અભિષેક નાયર છે, જે તેને બાળપણથી તાલીમ આપી રહ્યા છે. અંગક્રિશે RCB સામેની છેલ્લી મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. DC સામેની મેચ દરમિયાન તેને નંબર-3 પર પ્રમોટ કરવામાં આવ્યો હતો જેથી તેણે સુનીલ નારાયણ સાથે મળીને DCના બોલિંગ અટેકને વિધ્વંસ કરી દીધો હતો.

પ્રથમ IPL ફિફ્ટી કોચને કરી સમર્પિત

અંગક્રિશે સુનીલ નારાયણ સાથે 104 રનની ભાગીદારી કરી અને તેની પ્રથમ IPL ફિફ્ટી ફટકારી હતી. KKRએ 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મેચ પછી તેણે તેની ઇનિંગ્સ નાયર અને બાકીના KKR સ્ટાફને સમર્પિત કરી હતી.

કોચે શીખવાડ્યા જબરદસ્ત શોટ્સ

અંગક્રિશે શાનદાર રિવર્સ સ્વીપ શોટ રમી છગ્ગો ફટકાર્યો હતો અને ખુલાસો કર્યો કે એ અભિષેક નાયર જ હતા જેમણે તેને આવા શોટ રમવાની તાલીમ આપી હતી અને તે બાળપણથી તેમની સાથે કામ કરતો હતો. અંગક્રિશે કહ્યું, “હું આ ઇનિંગ મારા કોચ અભિષેક નાયર અને મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું. હું તેમની સાથે રહીને ઘણું શીખ્યો છું. અભિષેક સર બાળપણથી મારી સાથે કામ કરે છે. તેઓએ મને ઘણી રિવર્સ સ્વીપ જેવા ઘણાં બધા શોટ્સની પ્રેક્ટિસ કરાવી છે.”

અભિષેક નાયરે જ ડેબ્યુ કેપ સોંપી

અંગક્રિશને ડેબ્યુ કેપ પણ અભિષેક નાયરે જ આપી  હતી. અભિષેક નાયર KKRના આસિસ્ટન્ટ કોચ છે. આ અંગે અંગક્રિશના પિતાએ એક વખત કહ્યું હતું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે તે અભિષેકની કોચિંગમાં શીખ્યો અને હવે તેમની સાથે જ એક ટીમમાં રમી રહ્યો છે.” અંગક્રિશે પોતાના અંતિમ લક્ષ વિશે જણાવતા કહ્યું, “ભારતીય જર્સી પહેરવી છે અને એવી રીતે જેવી પહેલા કોઈએ ન પહેરી હોય. દરેક વ્યક્તિ મને દેખશે અને કહેશે, હું અલગ છું.”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *