Ravindra Singh Bhati News : રાજસ્થાનમાં બાડમેર-જૈસલમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે નવી અપડેટ આવી છે. આ ધમકી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાના નામથી અપાઈ હતી. પરંતુ હવે રોહિતે એવી કોઈ ધમકી આપી હોવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે આ મામલે તેમના કોઈ લેવા-દેવા નથી. તેમનું નામનો ખોટો ઉપયોગ થયો છે.
વિદેશમાં બેઠેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કરાયો છે કે તેમણે રવિન્દ્ર ભાટીને જાનથી મારવાની ધમકી નથી આપી. તેમના નામથી કોઈ બીજા વ્યક્તિએ એવું કર્યું છે. ત્યાં સુધી કે તેમણે પોલીસ તંત્રને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેથી સાત્ય લોકોની સામે આવી શકે. તેમનું કહેવું છે કે, સત્તામાં બેઠેલા કેટલાક નેતા રવિન્દ્ર ભાટીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે તેમના નામનો ઉપયોગ કરીને ધમકી અપાવી રહ્યા છે.
ગેંગસ્ટર રોહિત ગોદારાએ લખ્યું કે, ‘મારા નામથી (શિવ ધારાસભ્ય) રવિન્દ્ર સિંહ ભાટીને ફેસબુક પોસ્ટના માધ્યમથી ધમકી મળી છે. આ ધમકીથી મારે કોઈ લેવાદેવા નથી. રવિન્દ્ર ભાટી એક ગરીબ પરિવારથી નિકળીને વિદ્યાર્થી રાજનીતિથી લઈને વિધાનસભા – લોકસભા સુધીની સફરમાં સમાજના હિત માટે કામ કરી રહ્યા છે. ગરીબો માટે ભલાઈનું કામ કરી રહ્યા છે. આ વાત સત્તામાં બેઠેલા રાજનેતાઓને હજમ નથી થઈ રહી. જેના કારણે મારા નામનો ખોટો ઉપયોગ કરીને ભાઈને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અમારી કોઈ જાતિ વિશેષ સાથે લડાઈ નથી. અમારી લડાઈ જગજાહેર છે. આ પોસ્ટ દ્વારા પોલીસ તંત્રને અપીલ કરીશ કે આ ધમકી ભરી પોસ્ટની નિષ્પક્ષ તપાસ કરે.’ તેની સાથે જ રોહિત ગોદારાએ રવિન્દ્ર ભાટીના ઉજ્જવળ રાજકીય ભવિષ્યની શુભકામનાઓ આપી છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ ગેંગસ્ટર રોહિત ગોદારા ચર્ચામાં છે. તેના પર કેટલીક એજન્સીઓએ ગાળિયો કસ્યો છે. તેના વિરૂદ્ધ ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાઈ ચૂકી છે. તેના નામથી રવિન્દ્ર ભાટીને જાનથી મારવાની ધમકી અપાઈ હતી. જેમાં કહેવાયું હતું કે, ગોગામેડીની જેમ તેના પણ હાલ એવા થઈ શકે છે. ઉમ્મેદારામ બેનીવાલના કારણે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
ફેસબુક પર રોહિત ગોદારા કપૂરીસરના નામથી બનેલા એકાઉન્ટ પર લખાયું હતું કે, ‘હું રવિન્દ્ર સિંહ ભાટીને સ્પષ્ટ રીતે કહી રહ્યો છું કે જો આ રીતે ઉછળવાનો પ્રયાસ કરશે તો એ દિવસો દૂર નહીં હોય કે લોકો કહેશે કે વધુ એક રાજપૂત સિતારો ચાલ્યો ગયો, (પૂર્વ સુખદેવ સિંહ ગોગામેડી). અમે તો ચૂંટણી પહેલા જ ઘણુ બધુ બદલી શકતા હતા પરંતુ મારા લોકોમાં ઉમ્મેદારામ બેનીવાલજીના કોંગ્રેસમાં જવાની નિરાશાજનક સ્થિતિના કારણે રવિન્દ્ર સિંહ ભાટી આ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર રહી શક્યો, નહીતર અમે ધૂરંધરોને પણ અનેક વખત પગ નીચે રાખ્યા છે. અમે ન તો કોઈ ચૂંટણી લડી છે અને ન કોઈ સત્તાનો શોખ છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી જાતિની ઉપર કોઈ ખોટી નજરથી જોવાની પણ હિમ્મત ન કરે.’ આ પોસ્ટ બાદ હડકંપ મચી ગયો હતો.
જણાવી દઈએ કે, રોહિત ગોદારા રાજસ્થાનના બીકાનેરના લૂણકરણના રહેવાસી છે. તેના પર ગંભીર ગુનાના અંદાજિત 32થી વધુ કેસ દાખલ છે. તેઓ 2010થી અપરાધની દુનિયામાં નામચીન છે. રોહિત રાજસ્થાનના વેપારીઓથી 5 કરોડથી લઈને 17 કરોડ સુધીની વસૂલી કરી ચૂક્યો છે. તેના પર સીકરમાં ગેંગસ્ટર રાજૂ ઠેહટની હત્યાનો આરોપ પણ છે.