– વિદ્યાર્થીઓ કહે છે, ઇઝરાયેલ સાથે વ્યાપાર જ બંધ કરી દો : સેંકડો વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં જ તંબુઓ નાખી રહે છે
ન્યૂયોર્ક : ઇઝરાયલ અને હમાસ વચ્ચેનાં યુદ્ધની સમગ્ર વિશ્વમાં અસર દેખાઈ રહી છે. તેમાં અમેરિકાના અનેક ભાગોમાં ઇઝરાયલને મદદ કરવાની સરકારની કાર્યવાહી સામે વ્યાપક પ્રદર્શનો થઈ રહ્યા છે. કોલેજોના વિદ્યાર્થીઓ ઇઝરાયલમાં રોકાણ નહીં કરવા સરકાર પર દબાણ કરતા વ્યાપક પ્રદર્શનો કરી રહ્યા છે. મેસેચ્યુસેટસથી કેલિફોર્નિયા સુધી સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ પરિસરમાં તંબુઓ લગાવી પડયા છે. દેખાવકારી વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦થી વધુની અટકાયત પણ કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થીઓના દેખાવો ચાલુ છે. તેઓ કહે છે કે, યુનિવર્સિટીઓએ પણ કશું કરવું જોઈએ. તેઓ તો તંબુ નાખી કેમ્પસમાં રહે છે.
કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહેમૂદીજએ કહ્યું હતું કે, વિશ્વ-વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ઇઝરાયલમાં રોકાણ ન કરવા માટે કહી રહ્યા છીએ. ગાઝામાં તો અત્યારે નરસંહાર થઈ રહ્યો છે.
જે કંપનીઓ ઇઝરાયલમાં સેનાકીય પ્રયાસોમાં વૃદ્ધિ કરી રહે તેવા રોકાણ કરે છે તે કંપનીઓને પણ રોકાણો ન કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓ બાયડેન પ્રશાસનને કહે છે કે તેમણે શસ્ત્ર-ઉત્પાદક કંપનીઓ જે ઇઝરાયલને શસ્ત્રો આપે છે, તેની સાથે વ્યાપાર સંબંધો જ ન રાખવા સરકારને અનુરોધ કર્યો હતો.