Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું ટેન્શન વધતું જઈ રહ્યું છે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદનનો મામલો વકરી રહ્યો છે. ત્યારે આજે (25મી એપ્રિલ) ક્ષત્રિયોના ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયું છે. આ ધર્મરથના માધ્યમથી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને સમજાવવામાં આવશે.
ધર્મરથ વિવિધ ગામોમાં ફરશે
મળતી માહિતી અનુસાર, ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયું છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે. આ ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે. ધર્મરથમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા કોંગ્રેસનો ટેકો જાહેર કરવામાં આવશે અને ભાજપ વિરોધ મતદાન કરવાની પણ જાણ કરવામાં આવશે.’
બંધ બારણે બેઠકમાં ક્ષત્રિયોઓને મનાવવા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિયોને મનાવવા માટે બંધ બારણે બેઠક શરૂ કરી દીધી છે. જો કે, તેમાં શું પરિણામ આવે છે એ જોવાનું રહ્યું. ક્ષત્રિયો અત્યાર સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ ભાજપે આ મુદ્દે પીછેહઠ ન કરતાં હવે ચૂંટણી મેદાને જંગ જોવાની રહેશે.