Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉત્તરાખંડનું ધાર્મિક શહેર હરિદ્વારમાં પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અહીંથી આ વખતે બે પૂર્વ મુખ્યમંત્રી આમનેસામને છે. તેમના નામ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને હરીશ રાવત છે. જો કે, હરીશ રાવત હરિદ્વાર બેઠકથી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસે તેમના પુત્ર વિરેન્દ્ર રાવતને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલની ટિકિટ કાપીને ત્રિવેન્દ્ર સિંહ રાવતને તક આપી છે. આ બેઠક પર ભાજપ સતત બે વખત જીતી રહ્યું છે.
પુત્રને પિતાના વારસાને આગળ ધપાવવો પડકાર જનક
વીરેન્દ્ર રાવત સામે તેમના પિતા હરીશ રાવતના વારસાને આગળ ધપાવવો પડકાર જનક છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત 2009માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ભાજપના યતીન્દ્રાનંદ ગિરીને 1,27,412 મતોથી હરાવ્યા. હરીશ રાવતને 3,32,235 મત મળ્યા, જ્યારે યતીન્દ્રાનંદ ગિરીને 2,04,823 મત મળ્યા હતા.
શું ભાજપ જીતની હેટ્રિક લગાવશે?
આ વખતે ભાજપની નજર હરિદ્વાર બેઠકથી જીતની હેટ્રિક લગાવવા પર છે. લોકસભા ચૂંટણી 2019માં રમેશ પોખરિયાલ અહીંથી કોંગ્રેસના અંબરીશ કુમારને 2,58,729 મતથી હરાવ્યા હતા. રમેશ પોખરિયાલને 6,65,674 મત મળ્યા, જ્યારે અંબરીશ કુમારને 4,06,945 મત મળ્યા હતા. જ્યારે 2014માં રમેશ પોખરિયાલે કોંગ્રેસની રેણુકા રાવતને 1,77,822 મતોથી હરાવીને જીત મેળવી હતી. તેમને 5,92,320 વોટ મળ્યા જ્યારે રેણુકાને 4,14,498 વોટ મળ્યા.
આ બેઠકથી કોણ કોણ છે ચૂંટણી મેદાનમાં?
હરિદ્વાર બેઠકથી ભાજપે ત્રિવેન્દ્ર સિંહ રાવતને, કોંગ્રેસે વીરેન્દ્ર રાવતને અને બહુજન સમાજ પાર્ટીએ જમીલ અહેમદને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઉમેશ કુમાર અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેઓ હાલમાં ખાનપુર સંસદીય મતવિસ્તારમાંથી ઉમેદવાર છે.
હરિદ્વારમાં 14 વિધાનસભાનો સમાવેશ
હરિદ્વાર લોકસભા બેઠકમાં 14 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં ધરમપુર, ડોઈવાલા, ઋષિકેશ, હરિદ્વાર, બીએચઈએલ રાનીપુર, જ્વાલાપુર (SC), ભગવાનપુર (SC), ઝાબરેડા (SC), પીરાન કાલિયર, રૂડકી, ખાનપુર, મંગલોર, લક્સર અને હરિદ્વાર ગ્રામીણ બેઠકોનો સમાવેશ થાય છે.
હરિદ્વાર લોકસભા બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી?
હરિદ્વાર લોકસભા બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. તે સમયે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહનો અહીં પ્રભાવ હતો. જેના કારણે લોકદળ પહેલીવાર ચૂંટણી જીતી હતી. વર્ષ 1980માં આ બેઠક જનતા પાર્ટીએ જીતી હતી, પરંતુ વર્ષ 1984માં સમીકરણો બદલાયા અને કોંગ્રેસે આ બેઠક કબજે કરી હતી. વર્ષ 1984ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાની પકડ બનાવી રાખી હતી. વર્ષ 1989માં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. વર્ષ 1991માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ સૈનીએ સમીકરણો બદલી નાખ્યા અને આ બેઠક ભાજપના ફાળે આવી હતી. ત્યારબાદ હરિદ્વાર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી હતી અને ભાજપના હરપાલ સાથીએ સતત ત્રણ ચૂંટણી જીતીને રોકોર્ડ બનાવ્યો હતો. 2004મા સપાએ આ બેઠક ભાજપ પાસેથી છીનવી હતી.
વર્ષ 2009માં હરિદ્વાર બેઠક બિન અનામત વર્ગમાં આવતા કોંગ્રેસના હરીશ રાવતે જીતી હતી. ભાજપના રમેશ પોખરિયાલ નિશંકે છેલ્લી બે ચૂંટણી જીતી હતી. 2014માં આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર તરીકે પ્રથમ પોલીસ મહાનિર્દેશક કંચન ચૌધરીને મેદાનમાં ઉતારીને રાજકીય મેદાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સફળ થઈ શક્યા નહીં. હરિદ્વાર બેઠક છ વખત ભાજપ અને ચાર વખત કોંગ્રેસ પાસે હતી.