રાણાવડવાળાના ચકચારી ખૂન કેસમાં નવો ઘટસ્ફોટ : હત્યારાએ કહ્યું હતું, ‘તારા પતિને મેં મારી નાખ્યો, હવે તારે મારી જ થઇને રહેવાનું નહિતર તને અને તારાં સંતાનોને મારી નાખીશ’
પોરબંદર, : પોરબંદરના રાણાવડવાળા ગામે સાત-સાત વર્ષથી ગુમ યુવાનની હત્યા થયાનું અને તેની લાશને ગામના તળાવ પાસે દાટી દેવામાં આવ્યા બાદ હવે માનવ કંકાલ મળ્યા પછી પોલીસ તપાસમાં હવે એવું ખુલ્યું છે કે પતિનું ખૂન થયાનું પત્ની બનાવના ચાર-પાંચ દિવસ પછીથી જ જાણતી હતી છતાં હત્યારાએ ધમકી આપી હોવાથી ડરને કારણે ચૂપ રહી હતી. આ વાત ગળે ઉતારવી પોલીસને પણ અધરી પડતી જાય છે છતાં તપાસમાં જે કોઈના નામ ખુલશે તેની સામે કાર્યવાહી થશે. હાલ ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રાણાવડવાળાના ખારા નેશમાં રહેતા અને મોરબી હાઈવે પર ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રાણા દેવરાજ કોડીયાતર નામના યુવાને રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ લખાવીને જણાવ્યું છે કે, ડિસેમ્બર-૨૦૧૭માં એવુ જાણવા મળ્યું કે તેના મોટાબાપાનો દીકરો પરબત ઉર્ફે ગગુ ડેરીએ દૂધ આપવા ગયા બાદ ગુમ થઇ ગયો હતો. ગત તા.૧૯ના ફરિયાદી તેનાં ભાભી માલીબેનના ઘરે ગયો અને ઘર ખર્ચ તથા બાળકો બાબતે પુછતા માલીબેન રડવા લાગ્યા હતા અને કહ્યું હતું કે ‘હું બહુ જ દુઃખી છુ અને કોઈને વાત કરી શકું તેમ નથી, તમારા પર વિશ્વાસ રાખીને આજે વાત કરવા માંગુ છુ તમે મને ટેકો આપશોને’ રાણાએ ભરોસો આપતાં માલીએ કહ્યું હતું કે, ‘મારો પતિ પરબત ગુમ થયા પછી ચાર-પાંચ દિવસ બાદ ભીખા સેજા ઉલવા મારા ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા પતિ પરબતને મે તથા આપણા જ ગામના રાજુ મસરી મોરી અને મોકર ગામના રામજી રાજા લગઘીરે મારી નાખ્યો છે. હવે તારે મારી થઇને જ રહેવાનું છે અને જો આ વાત તું કોઈને કરીશ તો તને અને તારા છોકરાવને પણ મારી નાખીશ તેવી ધમકી આપીને ભીખો જતો રહ્યો હતો.’ એ દિવસથી બાળકોને પણ ભીખો મારી નાખશે તેવી બીક લાગતા આજ દિન સુધી માલીએ કોઈને વાત કરી ન હતી.
તા. 22ના પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. જાડેજાએ પરબત ગુમ થવા અંગે પુછતા ફરીયાદીએ તેમને એવું જણાવ્યું હતું કે, પિતરાઈ ભાઈ પરબતને ભીખા સેજા ઉલવાએ કોઇપણ રીતે ગુમ કરી નાખ્યો છે. પોલીસે તપાસ કરતા રાણાવડવાળા ગામ પાસે આવેલ પેટ્રોલપંપ સામે મોકર તરફ જતા રસ્તેથી એક વ્યક્તિના હાડકા ખોપરી શોધી કાઢયા હતા અને ફરીયાદીને પણ પોલીસે ત્યાં બોલાવતા આ કંકાલ પરબત ઉર્ફે ગગુના હોય તેવી શક્યતા દર્શાવી હતી કારણ કે ગગુની પત્ની માલીએ જણાવ્યું હતું કે, તેના પતિને ભીખા સેજા ઉલવા તથા રાજુ મસરી મોરી અને મોકરના રામજી રાજા લગધીરે કોઇપણ રીતે ખુન કરીને લાશને દાટી દીધી છે. પોલીસે આ ત્રણેય શખ્સો ઉપરાંત અન્ય કોઈ તપાસમાં ખુલે તે સહિતનાઓ સામે ખુનનો ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાંમૃતક પરબતની પત્ની સાથે ગેરકાયદેસર શારીરિક સબંધ રાખવાના ઈરાદે ભીખા સેજા ઉલવા અને અન્ય આરોપીઓએ કોઇપણ રીતે મારી નાખીને પુરાવાઓનો નાશ કર્યાનું જણાવ્યુ છે તેથી રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.