પારડીના પરવાસા ગામે આવેલી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઓછો ફેટ, ઓછો ભાવ અને વજનમાં ગોબાચારીના આક્ષેપ સાથે આજે સોમવારે મહિલા સહિતના સભસદોએ ભારે વિરોધ સાથે મંડળીમાં દૂધ ભર્યું ના હતું. સભાસદોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શીત કરી હોબાળો મચાવ્યો હતો. મંડળીના પ્રમુખે આજરોજ બેઠકા બોલાવવા છતાં તેઓ સહિત સભ્યો નહીં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સભાસદોએ પ્રમુખ સહિતની કમિટી બદલવાની માગ કરી નિર્ણય લીધો હતો.
પારડીના પરવાસા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 292 સભાસદો નોંધાયેલા મંડળીમાં રોજિંદા 4500 લિટર દૂધની આવક થતી હોય છે. જો કે છેલ્લા ઘણા સમયથી દૂધનો ફેટ, વજનમાં ગોબાચારી અને વ્યાજબી ભાવ નહીં મળતા પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી સજાયેલી સમસ્યા અંગે કોઈ ઉકેલ નહીં આવતા આજે સોમવારે સવારે મહિલા સહિતના સભાસદો મંડળી ખાતે એકત્રિત થયા હતા.
મંડળીના પ્રમુખ કલાવતીબેન પટેલ સહિત કમિટી સમ્યો બેઠક બોલાવવા છતાં હાજર રહ્યા ન હતા. જેને કારણે સભાસદોમાં ભારે આક્રોશ ઉઠયો હતો. એટલું જ નહીં પણ સભાસદોએ મંડળીમાં દૂધ નહીં ભરી દૂધનો જથ્થો રોડ પર ઢોળી વિરોધ સાથે હોબાળો મચાવી દીધો હતો. આ ઘટનાને પગલે ભાજપના નેતા મંડળી પણ દોડી ગયા બાદ મામલાને થાળે પાડવા પ્રયાસ કરાયો હતો. સભાસદોએ પ્રમુખ સહિતની કમિટી બદલી નવી કમિટીની રચના કરવા માંગ કરી આખરે નિર્ણય પણ લીધો હતો.
મહિલા સહિતના સભાસદોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં કારભાર કથળી ચૂકયો છે. દૂધના ફેટ, ભાવ અને વજનમાં ગોબાચારી કરાતી હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. પશુ પાછળ ભારે મહેનત કરવા છતાં પણ દૂધના વ્યાજબી ભાવ મળતા નથી. પાણી અને છાશના ભાવ કરતા પણ ઓછો ભાવ મળતો હોય તે વ્યાજબી નહીં ગણાય તેમ જણાવી આક્ષેપ કર્યો હતો.