Hanuman Janmotsav 2024: રામાયણ કાળથી આજે પણ હાજરાહજુર એવા રામદૂત, મારૂતિનંદન,કેસરી નંદન, સર્વોત્તમ રામભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આવતીકાલ ચૈત્રસુદ પૂર્ણિમાના દિવસે ગામેગામ, લત્તે લત્તે ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાશે. આજે ઠેરઠેર સુંદર કાંડના પાઠ, હનુમાનચાલીસાના પાઠ, રામ મંત્ર જાપથી માંડીને બટુક ભોજન સહિતના આયોજનો થયા છે અને હનુમાન મંદિરોએ મંડપ નાંખીને અદ્ભૂત શણગાર કરવામાં આવ્યા છે.
અમરેલીના સુપ્રસિધ્ધ, 400 વર્ષ પૂર્વે 1642 ના ચૈત્રીસુદ પુનમના દિવસે સ્વયંભુ પ્રગટ થયેલા લાઠી તાલુકામાં દામનગર તરફ માર્ગે આવેલા ભુરખીયા હનુમાનજી મંદિરે હજારો લોકો રાત્રિથી જ સવારની આરતી માટે ઉમટતા હોય છે. અમદાવાદ, મુંબઈ, સુરત ,રાજકોટ સહિત દેશવિદેશથી લોકો અહીં આવતા હોય છે અને હજારો ભક્તો પગપાળા દર્શનાર્થે આવશે. જેમના માટે ખાણીપીણી સહિત વિવિધ સુવિધા ઉભી કરાઈ છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ નિમિત્તે ભવ્ય લોકમેળોપણ યોજાશે.
બેટ શંખોદ્વારમાં હનુમાન દાંડી મંદિરે વિશ્વમાં એકમાત્ર પિતા-પુત્રનું એટલે કે પિતા હનુમાનજી અને પુત્ર મકરધ્વજનું દિવ્ય મંદિર આવેલું છે અને દર વર્ષે હજારો ભાવિકો અહીં ઉમટતા હોય છે. આજે સવારે 10 વાગ્યાથી વિજયમંત્રી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂનનો પ્રારંભ કરાયો હતો. આજે સવારે ધ્વજારોહણ, આરતી, 11 વાગ્યે અન્નકૂટ દર્શન, બાર વાગ્યે સમુહ પ્રસાદ સહિત આયોજનો કરાયા છે.
રાજકોટમાં (1) રામનાથપરા- 16માં બીરાજતા બડા બજરંગ મંદિર દ્વારા સતત 16 માં વર્ષે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે ગરૂડ ચોક, વિરાણી વાડી, હાથીખાના, કેનાલ રોડ, ગુંદાવાડી, પેલેસરોડ, કરણપરા, પ્રહલાદ રોડ થઈ બાલાજી મંદિરે પૂર્ણાહુતિ થશે. (2) બાલાજી મંદિરે 51 કુંડી મહાયજ્ઞા સહિત આયોજન કરાયા છે.(3) વિજયપ્લોટમાં આવેલ સુર્યમુખી હનુમાન મંદિરે ંમહાપ્રસાદ સહિત આયોજનો થયા છ જ્યાં સાંંજે 7 વાગ્યે મહાઆરતી થશે. (4) કાલાવડ રોડ પર સંકલ્પસિધ્ધ હનુમાન મંદિર સહિત સેંકડો હનુમાન મંદિરોએ દિવ્ય ઉત્સવો યોજાશે. બટુક ભોજન થશે.
સૌરાષ્ટ્રભરથી અહેવાલો મૂજબ (1) ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર કુંડલા હનુમાન મંદિર ખાતે સાંજે 6થી 8 મહાપ્રસાદ સહિત (2) અધેવાડા ખાતે ભુરખીયા હનુમાનજીની શિવકુંજ ધામે ભવ્ય ઉજવણી થશે. (3) ગોંડલમાં હનુમાન જયંતિ નિમિત્તે બજરંગદળ, વિહિપ વગેરે દ્વારા ગુંદાળા રોડથી શોભાયાત્રા નીકળશે જે બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા દરવાજા, જેલચોક, માંડવી ચોક, કડીયા લાઈન થઈ હનુમાનજી મંદિરે પૂર્ણ થશે. (4) ધોરાજી જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે પ્રાચીન ચૈતન્ય હનુમાનજી આશ્રમ પંચ દશનામ આહવાન અખાડામાં હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. (5) સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે પ્રાગટય મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં પંખી માટે માળા,કુંડાનું વિતરણ, આયુર્વેદિક કેમ્પ વગેરે આયોજન થયા છે. (6) ચોટીલા પંથકમાં પ્રસિધ્ધ બાવન વીર સહિત અનેક હનુમાન મંદિરોએ આજે હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે.
આ પણ વાંચો : દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ