ક્ષત્રિયોએ હવે ભાજપ વિરૂધ્ધ જંગ માંડતા ડેમેજ કંટ્રોલ કરવા ધમાસાણ : મુખ્યમંત્રીએ ક્ષત્રિયોના આસ્થા કેન્દ્ર કચ્છના આશાપુરા મઢમાં અને પાટિલે કાઠી ક્ષત્રિય સમાજના આસ્થા કેન્દ્ર સુરજદેવળ જઈ દર્શન કર્યા
રાજકોટ, : લોકસભા ચૂંટણીમાં રાત ટૂંકી અને વેશ જાજા છે અને ક્ષત્રિયોનો વિરોધ અવગણીને રૂપાલાને જ ચૂટણી લડાવવાનું ફાઈનલ થઈ ગયા બાદ ક્ષત્રિયોએ આંદોલનનું નાળચુ સીધુ રૂપાલા સાથે ભાજપ સામે માંડયું છે. આ સ્થિતિમાં મતોમાં થનારૂં નુક્શાન નિયંત્રીત કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના મહામંત્રી રત્નાકરજીએ ગઈકાલ અને આજે રાજ્યના સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર હેલીકોપ્ટરમાં જઈને તાકીદની બેઠકો યોજી હતી તો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે ક્ષત્રિયોના બે પ્રખ્યાત આસ્થા કેન્દ્રોએ જઈને દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કચ્છના આશાપુરા માતાજીના મઢ કે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહેલું છે ત્યાં જઈને દર્શન કર્યા હતા. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે કાઠી ક્ષત્રિય સમાજના આસ્થા કેન્દ્ર એવા ચોટીલા નજીકના સૂરજદેવળ મંદિરે જઈને દર્શન કર્યા હતા. આ નિમિત્તે અહીં સમિયાણો ઉભો કરાયો હતો પરંતુ, પ્રદેશ પ્રમુખ મોડા આવતા સભા થઈ ન્હોતી. ઉલ્લેખનીય છે કે કાઠી દરબારોએ ક્ષત્રિયોની લડતમાં ખુલ્લો અને સક્રિય ટેકો જાહેર કર્યો છે.
બીજી તરફ, ગઈકાલે જામનગર અને રાજકોટ ઉપરાંત આજે સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ સહિત જિલ્લાઓ કે જ્યાં ક્ષત્રિયોની વસ્તી નોંધપાત્ર છે ત્યાં ભાજપના મહામંત્રી અને ભાજપ સરકારના ગૃહમંત્રીઓ હેલીકોપ્ટરમાં તાકીદે જઈ પહોંચ્યા હતા અને જે તે શહેરની અદ્યતન હોટલોમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બંધબારણે બેઠકો યોજીને ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સૂચનાઓ આપી હતી.સૂત્રો અનુસાર આંદોલન કરતા ક્ષત્રિયો સામે સુમેળ જાળવવા અને આમ ક્ષત્રિયોને દેશહિતમાં મતદાન કરવા માટે સમજાવવા અને મોદી,રામમંદિર સહિતના મુદ્દે મત માંગવા સહિત સૂચના અપાયાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એવું બન્યું છે કે એક આખો સમાજ ભાજપ વિરૂદ્ધ ખુલ્લેઆમ પડયો છે અને ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા એડી ચોટીનું જોર લગાવી રહેલ છે ત્યારે ભાજપને લીડ ઘટવાની, પાંચ લાખની લીડનો ટાર્ગેટ પૂરો નહીં થવાની અને સાતથી આઠ બેઠકો પર જો અન્ય સમાજના 10- 20 ટકા મતો પણ બદલાય તો પરિણામ બદલવાની ચિંતા જન્મી છે. ક્ષત્રિયો સાથે ઘર્ષણ ટાળવા અને કોઈ ઉગ્ર વિવાદ સર્જાય તેવા પગલા નહીં લેવા પોલીસને પણ સૂચના આપ્યાનું જાણવા મળે છે. બીજી તરફ, ક્ષત્રિય આગેવાનોએ પણ ઘર્ષણ ટાળવા, અન્ય સમાજનો સાથ મેળવવા અને બળથી નહીં પણ કળથી લડત આપવાનો નિર્ધાર કર્યો છે.