વડોદરાની સંસ્થાએ ગાયોને ધોમધખતી ગરમીમાં 2000 કિલો તરબૂચનુ ભોજન કરાવ્યુ છે.
આ પહેલા તાજેતરમાં વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયોને 500 કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો. ફાઉન્ડર નિરવભાઈ ઠકકરનુ કહેવુ છે કે, અમે ત્રણ વર્ષથી નિઃસહાય વૃદ્ધોને ભોજનસેવા પુરી પાડી રહ્યા છીએ. સાથે જ હવે પશુસેવા માટેનુ અભિયાન શરુ કર્યુ છે. જેના ભાગરુપે પાંજરાપોળમાં રહેતી અને અગાઉ ત્યજી દેવાયેલી કે કતલખાને લઈ જતા બચાવાયેલી અને બીમાર ગાયોને આજે તરબૂચનુ ભોજન કરાવવાનુ નક્કી કરાયુ હતુ.અમારી સાથે રોનકભાઈ અને અંકિતાબેન પરમાર પણ જોડાયા હતા.
વડોદરાની સંસ્થાએ પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ 2000 કિલો તરબૂચનુ ભોજન કરાવ્યુ#Vadodara #Panjarapol #Watermelon #MangoJuice #Cows pic.twitter.com/9NKV17o9Q2
— Gujarat Samachar (@GujaratSamacha6) April 21, 2024
તેમનુ કહેવુ છે કે, ગાયોને 2000 કિલો તરબૂચ ટુકડા કરીને તેમને ભોજન કરાવવા માટેની ક્યારીમાં પીરસવામાં આવ્યુ હતુ. તરબૂચના કટકા કરવા માટે સેંકડો સ્વયંસેવકો કામે લાગ્યા હતા. તેને ખાઈને ગાયોએ જે સંતોષ અનુભવ્યો હતો તે અમે જાણે જોઈ શકતા હતા. બે ક્યારી હોવાથી એક સાથે સેંકડો ગાયો તરબૂચનુ ભોજન કરી શકી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા નિઃસહાય વૃદ્ધોને ત્રણ વર્ષથી ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજનની સેવા આપી રહી છે. રોજ 200 જેટલા વૃદ્ધો ભોજનસેવાનો નિયમિતપણે લાભ લઇ રહ્યા છે. સાથે જ તેમને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવે છે. ફૂટપાથ પર જીવન વ્યતિત કરતી મહિલાઓને સેનેટરી પેડ્સ આપવા સહિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.