Jayvirsinh Gohil on Parshottam Rupala : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ નિવેદનને લઈને રૂપાલા દ્વારા બે વખત માફી માંગવામાં આવી છે. પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્ છે અને તેઓ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. તો આ મામલે ગુજરાતના રાજવી પરિવારો પણ મેદાને આવ્યા છે. જેમાંના ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે.
ચૂંટણી અને રૂપાલાના નિવેદન અંગે જયવીરરાજ સિંહે શું કહ્યું?
જયવીરરાજસિંહ ગોહિલે કહ્યું કે, ‘એક વાત છે લોકતંત્ર-ચૂંટણીનો છે. જે ચૂંટણી થવાની છે તેમાં ડિબેટ આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારીના મુદ્દે થવી જોઈએ. બીજી વાત છે તે સમાજના ઈતિહાસ સાથે ખિલવાડની છે. પરશોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે નિચલી કક્ષાનું છે. રૂપાલા સાહેબ એક સિનિયર સિટિજન છે, કેન્દ્રીય મંત્રી છે, અનુભવી નેતા છે. હું જ્યારે તેમને મળ્યો છું તેમણે મારા પૂર્વજો પ્રત્યે અને રાજપૂત સમાજ પ્રત્યે સારી વાત જ કરી છે. આ નિવેદન સાંભળીને હું પણ આશ્રર્યમાં મૂકાયો હતો. તેમણે વાત કરી બેટી અને રોટીની. હું રૂપાલા અને સૌ લોકોને કહીશ કે તમારા ઘરમાં ખાવા રોટી અને સુખી-સુરક્ષિત બેટી એટલા માટે હતી કારણ કે યુદ્ધભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા.’
ગુસ્સો રહેશે, હું શબ્દો ક્યારેય ભૂલીશ નહીં : જયવીરરાજસિંહ
જયવીરરાજ સિંહે કહ્યું કે, ‘રૂપાલાના આવા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જ નહીં અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. હું શબ્દો ભૂલીશ નહીં. સમાજ જ્યાં જશે ત્યાં હું પણ જઈશ. રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ. આવા શબ્દો વાપરનારા વ્યક્તિને માન-સન્માન નહીં આપું. મારા પરિવારના સંસ્કાર છે એ મુજબ, રૂપાલા મારા વડીલ છે એટલે તેનું અપમાન નહીં કરું. આવા શબ્દો માફ કરવા લાયક છે કે નહીં તે હું ન કહી શકું. માફી આપવા વાળો મહાદેવ છે.’
ક્ષત્રિય મહિલાઓના વિરોધ અંગે જયવીરરાજ સિંહે શું કહ્યું?
રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય મહિલા આગેવાનો આક્રોશમાં જોવા મળી રહી છે. ત્યારે આ અંગે જયવીરરાજ સિંહે કહ્યું કે, ‘રૂપાલાનું નિવેદન જરા પણ યોગ્ય નથી. રૂપાલા જેવા વ્યક્ત આવા શબ્દો વાપરે એ દુ:ખની વાત છે. ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરશે જ, તેને હક છે. શબ્દો જ એવા હતા. જે વિરોધ નથી કરતા તે તો કલંક કહેવાય. હું વિરોધ કરું છું. હું આગળ જ રહીશ.’
ઉમેદવાર બદલવા અંગે જયવીરાજસિંહે શું કહ્યું?
ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે આ અંગે જયવીરાજસિંહે કહ્યું કે, ‘રૂપાલાને ટિકિટ મળે કે ન મળે તેનાથી મને કોઈ ફેર નથી પડતો. પરશોત્તમ રૂપાલાને બદલવા માટે રાજકોટની જનતા નિર્ણય લેશે. હું યુવાનોને કહીશ કે જે લાયક છે તેને મત આપો.’
ગોંડલમાં થયેલી બેઠક અને રૂપાલાની માફી અંગે જયવીરરાજ સિંહે શું કહ્યું?
પરશોત્તમ રૂપાલા બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. ત્યારે હવે જયવીરરાજ સિંહે કહ્યું કે, ‘જયરાજસિંહ સમાજના વડીલ છે. પરંતુ મને સાંભળમાં મળ્યું છે કે, ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપના આગેવાનો જ હતા. પક્ષના પ્રતિનિધિઓ વચ્ચેનું સમાધાન હતું. સમાધાનના પ્રતિનિધિ ન હતા. રાજપૂત સમાજના યુવાનોનું માનવું છે કે ગોંડલની બેઠકમાં હાજર રહેલા રાજપૂતો હતા એ રાજપૂતો રહ્યા નથી પણ ભાજપૂતો બની ગયા છે. રાજપૂત સમાજ માટે પહેલા સમાજ આવવો જોઈએ. સમાજમાં જે વાત થતી હોય તે આપણા પ્રતિનિધિઓ થકી જ જવી જોઈએ. વિરોધમાં આપણા સમાજનાં આગેવનો અને પ્રમુખો શું નિર્ણય લે છે તે વડીલોને પૂછવું પડશે. આ અંગે સમાજના વડીલો નિર્ણય કરશે. તમે માફી માંગવા માગો છો તો ક્ષત્રિય સમાજ દ્વારા સંચાલિત સંસ્થાઓ, મહિલાઓ આગેવાનો અને હોદ્દેદારો વચ્ચે માફી માંગો.’
ઈતિહાસ સાથે ખિલવાડનો લગાવ્યો આરોપ
જયવીરરાજ સિંહે કહ્યું કે, ‘આ મુદ્દાને લોકોએએ ભાવનાઓનો મુદ્દો બનાવી દીધો છે. મારા માટે ભાવના નહીં પરંતુ ઈતિહાસ સાથે ખિલવાડની વાત છે. રાજપૂત સમાજના ઈતિહાસ સાથે સોશિયલ ઈન્જિનિયરિંગ કરવામાં આવે છે તે ખોટું છે. મને કોઈ પક્ષ સાથે વાંધો કે લગાવ નથી. મને ભાવનગરના નગરજનો સાથે લગાવ છે.’
વિરોધ કરનારા લોકોને જયવીરરાજ સિંહે આપી સલાહ
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ દ્વારા રૂપાલાનો ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જયવીરરાજ સિંહે કહ્યું કે, ‘ગુસ્સો આવે, ક્ષત્રિય છીએ તો લોહી પણ ઉકળે. પરંતુ આપણે કાયદાને લઈને ચાલવું જોઈએ. મીડિયા સામે વાત કરો છો ત્યારે તમે ખ્યાલ રાખો કે કયા સિદ્ધાંત અને કયા વિવેકથી વાત કરો છો. તે પ્રમાણે રજૂ થાઓ. ક્ષત્રિય સમાજમાં હાલ જે જૂનુન છે તે આગળ પણ દેખાડે. સમાજના યુવાનોને આગળ લાવવા અવાજ ઉઠાવે. અન્ય વિકાસ અને પ્રગતિના કામમાં તે ઝનૂનની જરૂર છે. રાજપૂત યુવાનો સફળતા મેળવે તેવો ઉદ્દેશ હોવો જોઈએ.’