આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે અને આ દિવસોમાં આકરી ગરમી રહેશે તે દરમિયાન પણ વધુમાં વધુ લોકો મતદાનની ફરજ નિભાવે તે માટે જાગૃતિ માટે વહિવટી તંત્ર દ્વારા પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં સુરત શહેરના રસ્તા પર દોડતી 600થી વધુ બસ પાછળ મતદાન જાગૃતિ માટેની જાહેરાત લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ થકી વાલીઓને સંદેશો જાય તે માટે બાળ વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવી મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
સુરતમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના ઉમેદવારી પત્રકના કારણે હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેની વચ્ચે વહીવટી તંત્ર દ્વારા લોકો વધુને વધુ સંખ્યામાં મતદાન કરે અને પવિત્ર ફરજ નિભાવે તે માટેનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. સુરત શહેરમાં પાલિકા દ્વારા સામુહિક પરિવહન સેવા માટે 600થી વધુ સીટી અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. આ બસનો રોજ અઢીથી ત્રણ લાખ લોકો મુસાફરી કરે છે અને બસને લાખો લોકો રોજ જોઈ છે આ બસ પાછળ મતદાન જાગૃતિ માટે જાહેરાત પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વિવિધ શાળાના અભ્યાસ કરતાં બાળકોમાં વિવિધ વિષયો સાથે મતદાન જાગૃતિ માટે પણ પોસ્ટર સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. તેમાં સિટી લાઈટ વિસ્તારની એક સંસ્થા દ્વારા ૪૫ બાળકો- વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ, વોટ ફોર બેટર ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ, પ્રદૂષણ નિયંત્રણ માટે લોક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી પોસ્ટર બનાવી સામાજિક સંદેશો આપ્યો હતો. ખાસ કરીને એકેડેમીના ૪ થી સોળ વર્ષની વયના બાળ વિદ્યાર્થીઓએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વધુમાં વધુ મતદાન થાય એવો સંદેશ આપતા આકર્ષક પોસ્ટર નું ચિત્રણ કર્યું હતું.આ સ્પર્ધા થકી વાલીઓમાં પણ મતદાન જાગૃતિ થાય તેવો પ્રયાસ કરવામા આવ્યો છે. ઉપરાંત મતદાતા જાગૃતિ માટે વરાછાની જે.બી.ધારુકાવાળા કોલેજ થી ચોપાટી- સીએનજી પમ્પ થઈ જે.બી.ધારુકાવાલા સુધીની ‘વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે સાથે હવે સામાજિક પ્રસંગોમાં પણ મતદાન જાગૃતિ થઈ રહ્યાં છે તેના ભાગરૂપે શહેરના પર્વત ગામ સ્થિત એક સોસાયટી ખાતે લગ્ન મહેંદી પ્રસંગમાં મતદાતા જાગૃતિ અભિયાનમાં જોડાઈ ફરજિયાત મતદાન માટેના શપથ પરિવારજનો અને મહેમાનોએ લીધા હતા.