તહેરાન,21 એપ્રિલ,૨૦૨૪,રવીવાર
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે દુશ્મની વધતી જાય છે. સીરિયામાં ઇરાનના વાણીજય દુતાવાસ પર ૧ એપ્રિલના રોજ ઇઝરાયેલે હુમલો કરતા વિસ્ફોટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇરાને ૧૩ એપ્રિલના રોજ ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરીને બદલો લીધો હતો. ઇઝરાયેલ પણ ઇરાનના વળતો હુમલો કરતા હુમલા અને પ્રતિ હુમલાનો સિલસિલો શરુ થયો છે.
ઇરાનના વિદેશમંત્રી હોસેન અમીરાબ્દુલ્લાહિયન કહયું હતું કે જો ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરીને ઇરાનના હિતોની વિરુધ પગલા ભર્યા તો તહેરાનની હવે પછીની પ્રતિક્રિયા મેકિસમમ લેવલ પરની હશે. ઇઝરાયેલના દુસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વિદેશમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ઇરાન પર તાજેતરમાં થયેલા હુમલાની તપાસ કરી રહયા છીએ જો કે હજુ તેનો ઇઝરાયેલ સાથેનો સંબંધ સાબીત થયો નથી.
ઇરાનના વિદેશમંત્રીએ ચોખવટ કરી હતી કે ડ્રોને ઇરાનની અંદરથી જ ઉડાણભરી હતી અને તે ફેંકવામાં આવે તે પહેલા ૧૦૦ મીટર જેટલી ઉડાણભરી હતી. આ શસ્ત્રો તો રમકડા જેવા હતા જેનાથી અમારા બાળકો રમે છે. ઇરાને ઇઝરાયેલ તરફથી ડ્રોન હુમલા સામે વાયુસેના, હવાઇઅડ્ડા અને પરમાણુ સ્થળના રક્ષણ માટે એર ડિફેન્સ સિસ્ટમ એકિટવ કરી છે.
ઇરાનના કોઇ પણ અધિકારીએ હુમલો ઇઝરાયેલે કર્યો હોવાનું સ્વીકાર્યુ નથી. ઇરાનની સરકારી ટેલીવિઝનના જણાવ્યા અનુસાર કેટલાક પ્રાંતોના આકાશમાં ડ્રોન દેખાતા વાયુ રક્ષા સિસ્ટમે ફાયરિંગ શરુ કર્યુ હતું. આ હુમલામાં ઇરાનને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી.