અમદાવાદ,શનિવાર
પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, શહેરકોટડા વિસ્તારમાં રોડ ક્રોેસ કરી રહેલા યુવકને ટક્કર મારી રિક્ષા ચાલક ભાગી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં મહિનાની સારવાર બાદ મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરચક ટ્રાફિક વચ્ચે ટક્કર મારી રિક્ષા ચાલક ભાગી ગયો ઃ સિવિલ હોસ્પિટલમાં મહિનાની સારવાર બાદ ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો પોલીસે નોંધ્યો
બાપુનગરમાં રહેતો યુવક તા. ૧૪ માર્ચેના રોજ સવારે ૯ વાગે શહેર કોટડા વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ રોડ ઉપર સંજયનગર ચાર રસ્તા પાસે પગે ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે સમયે પૂર ઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે તેઓને ટક્કર મારી હતી જેથી તેમને શરીરે તથા ઢીંચણના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત કરીને રિક્ષા ચાલક ભાગી ગયો હતો.
સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ બોલાવીને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મહિનાની સારવાર બાદ તેમનું તા. ૧૮ના રોજ અવસાન થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસે યુવક થયા બાદ ગુનો નોંધ્યો હતો અને હજુ સુધી રિક્ષા ચાલક આરોપીને પકડયો પણ ન હતો.