– કેટલાકને મળેલી વધુ પડતી સત્તા છોડવી ગમતી નથી પરંતુ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બહાર રહે તે વાત તર્કહીન છે
વૉશિંગ્ટન : એલન મસ્કે આ વર્ષના જાન્યુઆરીમાં કહ્યું હતું કે ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્ય મળવું જોઇએ. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ તેમાંથી બહાર રહે તે સ્થિતિ જ તર્કહીન છે. એલન મસ્કનાં આ વિધાનો સાથે અમેરિકા સંપૂર્ણ રીતે સહમત છે. તેમા અમેરિકાનાં વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાંત પટેલે ગઇકાલે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વેદાંત પટેલે વધુમાં કહ્યું હતું કે એલન મસ્કનાં તે વિધાનો લક્ષમાં રાખી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પણ ભારતને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મળવું જોઇએ તેની તરફેણ કરી હતી. સાથે યુનોના મહામંત્રીએ પણ તેમાં સાથ પૂરાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સહિત તેની તમામ સંસ્થાઓમાં પરિવર્તન કરવાની જરૂર છે જ તેમ અમેરિકા માને છે, અને તો જ આપણે ૨૧મી સદીને વધુ પ્રતિભાવ યુક્ત બનાવી શકીશું તેમ પણ અમેરિકા માને છે.
મસ્કે ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવામાં રોકનાર દેશો (મહ્દ અંશે ચીનનો આડકતરો ઉલ્લેખ કરતાં)નો ઉલ્લેખ કરતાં એલન મસ્કે જાન્યુઆરીમાં તેમ પણ કહ્યું હતું કે કેટલાક દેશો વધુ પડતી સત્તા ભોગવી રહ્યા છે, તે તેઓ છોડવા માગતા નથી.
ઠ પર કરેલાં પોસ્ટમાં મસ્કે જણાવ્યું કે કોઈ તબક્કે તો યુનોની સંસ્થાઓમાં સુધારો કરવો જ પડશે. ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં તેને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મળે જ નહીં તે પરિસ્થિતિ જ અર્થહીન છે. આફ્રિકાને પણ સ્થાન મળવું જ જોઇએ. તેના કોઈ અગ્રીમ દેશને કાયમી સભ્યપદ મળવું જ જોઇએ. વિશ્વભરમાં તે અંગે આંદોલન પણ જાગી રહ્યું છે, તેમ પણ મસ્કે જણાવ્યું હતું.
યુનોની સલામતી સમિતિ ૧૫ સભ્યોની બનેલી છે. તેમાં અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને ચીન કાયમી સભ્યો છે. બાકીના ૧૦ ક્રમાનુસાર ચૂંટણી દ્વારા બે વર્ષ માટે, સભ્ય પદે આવે છે.
ભારતની વાત લઇએ તો, લોકસભાની ચૂંટણી સમયે ભાજપે પ્રસિધ્ધ કરેલા તેમાં ઘોષણા પત્રમાં યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે તમામ પ્રયાસો કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પૂર્વે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે પણ ભારતને કાયમી સભ્યપદ માટે મળી રહેલાં વૈશ્વિક સમર્થનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કેટલીક બાબતો દયા ભાવથી મળતી હોય તમારે તે લઇ લેવી પડે છે. નાગપુરમાં ભાજપની મળેલી મંથન શિબિરમાં તેઓએ આ પ્રમાણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુનોની સલામતી સમિતિમાં પહેલાં ક્વોમિંગામ ચીન (તાઈવાન)ને જ કાયમી સભ્ય પદ હતું તેને બદલે સામ્યવાદી ચીન (તળભૂમિમાં ચીન)ને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મળવું જ જોઇએ તે માટે ભારતે તે સમયનાં સોવિયેત સંઘ અને પૂર્વ યુરોપના દેશોની સાથે ઝૂંબેશ ઉઠાવી ચીનને કાયમી સભ્યપદ વીટો પાવર સાથે અપાવ્યું તે જ ચીન અત્યારે ભારત માટે કાયમી સભ્યપદનો વિરોધ કરે છે, અને કહે છે કે જો સલામતી સમિતિના સભ્યો આગ્રહ રાખશે તો અમે વીટો વાપરીશું.