અમદાવાદ,ગુરુવાર
શાહઆલમમાં મામાના ઘરે આવેલા ત્રણ વર્ષના ભાણીયાને નાની ઘર પાસે રમાડી રહ્યા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને બાળકને રમાડતા રમાડતા અચાનક કારમાં બેસાડીને અપહરણ કરીને નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં માસીએ કારનો પીછો કરીને બુમાબુમ કરી હતી જેથી લોકોએ કારને ઘેરી લીધી હતી જેથી ડરના માર્યા આરોપીઓ બાળકને ઉતારીને નાસી ગયા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં આવેલા શખ્સો બાળકને રમાડવા લાગ્યા અને અચાનક કારમાં બેસાડી લઇ ગયા માસીએ પીછો કરી બુમો પાડતા લોકો ઘેરી લેતા બાળકને ઉતારી દીધું
શાહઆલમ વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી અને તેના પતિ વચ્ચે મનમેળ ન હોવાથી દિકરી તેમના ઘરે ચાર મહિનાથી ત્રણ વર્ષના ભાણીયા સાથે રહેવા આવી હતી. તા. ૧૬ના રોજ તેમની દિકરી દવાખાને સારવાર માટે ગઇ હતી અને ભાણીયાને નાની ઘર પાસે રમાડતા હતા. જ્યાં સાંજના સમયે કારમાં ચાર અજાણ્યા લોકો આવ્યા હતા અને બાળકને રમાડવા લાગ્યા હતા.
અને જોત જોતામાં અચાનક બાળકને કારમાં બેસાડીને અપહરણ કરીને જતા હતા નાનીએ બુમો પાડતાં તેમની દિકરી આવી પહોચી હતી અને કારનો પીછો કરીને કારની પાછળ દોડી હતી અને બુમાબુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારને ઘેરી લેતા કારમાં સવાર લોકો બાળકને ઉતારીને નાસી ગયા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.