એક જ વિસ્તારમાં 4 દિવસમાં 2 તીવ્ર ભૂકંપો : ખાવડાથી સરહદ તરફ 30 કિમી અંતરે જમીનમાં 14.5 કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ : રાજ્યમાં 18 દિવસમાં 5 વાર ધરતી ધ્રુજી
રાજકોટ, : કચ્છમાં આજે ધોમધખતા તાપ વચ્ચે બપોરના 1.36 વાગ્યે ખાવડા પંથકમાં વધુ એક તીવ્ર ભૂકંપ નોંધાયો છે જે રિચર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 મપાઈ છે. ખાવડા પંથકમાં હજુ ગત તા.14-4-2024ના 2.9 તીવ્રતાનો અને તે પહેલા તા.1-2-2024ના 4.0ની તીવ્રતાનો ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી.
આઈ.એસ.આર.માં નોંધાયા મૂજબ ખાવડાથી 30 કિ.મી. ઉત્તર દિશાએ દેશની સરહદ તરફ પૃથ્વીની સપાટીથી 14.5 કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. હજુ 4 દિવસ પહેલા ખાવડાથી પશ્ચિમે ૨૧ કિ.મી.ના અંતરે ૨.૯ની તીવ્રતાનો અને ત્યાર પહેલા ગત તા.૧ ફેબુ્રઆરીએ ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપો કચ્છમાં આવેલી ફોલ્ટલાઈનને લીધે ઉદ્ભવ્યાનું મનાય છે.
રાજ્યમાં એપ્રિલ માસમાં ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે. ચાલુ એપ્રિલ માસના 18 દિવસમાં જ ખાવડા ઉપરાંત ભચાઉમાં 2.8 અને 2.9 ભાવનગર પંથકમાં 3.2ની તીવ્રતાના એમ કૂલ 5 ધરતીકંપ નોંધાયા હતા.
બીજી તરફ, સૌરાષ્ટ્રમાં અગાઉ અમરેલી મિતીયાળા પંથકમાં ઉપરાઉપરી ડરામણા અવાજ સાથે ભૂકંપના આંચકા આવ્યા બાદ તાજેતરમાં ગોંડલ નજીક શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં તીવ્ર અવાજ સાથે ઉપરાઉપરી અર્ધો ડઝન ભૂકંપના આંચકા નોંધાયા છે જે અંગે કલેક્ટરે સેન્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે અને તે મળ્યા બાદ જરૃરી કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલા સંશોધનો મૂજબ સૌરાષ્ટ્રમાં ઓછી તીવ્રતાના પણ ઉપરાઉપરી આંચકા આવે છે તે માટે ભૂગર્ભજળની સપાટીમાં ફેરફાર, ખડકો બટકતા હોવાથી કે પેટાળમા ખડકોમાં ફ્રેક્ચરથી ભૂકંપનું તારણ નીકળ્યું હતું એટલે કે આ વિસ્તારમાં કોઈ મોટી ફોલ્ટલાઈન નથી જ્યારે કચ્છમાં કે.એમ.એફ. કહેવાતી ફોલ્ટલાઈન આવેલી છે જ્યાં પૃથ્વીની ઉંડાઈમાં તીવ્ર આંચકા ઉદ્ભવતા રહે છે. રાજકોટ જિલ્લા ભૂકંપ પ્રભાવિત ઝોન-3માં અને કચ્છ જિલ્લો ઝોન-5માં આવે છે.