image : Socialmedia
Faiz Hameed faces Pakistan Army Inquiry : ભારતમાં વર્ષોથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલી પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISI પોતાના નાગરિકોને પણ છોડતી નથી.
ISI પર પાકિસ્તાનના એક નાગરિકે પોતાના ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાનો આરોપ મૂકયો છે. જેના પગલે કોર્ટે આપેલા આદેશ બાદ પાકિસ્તાની સેનાએ તત્કાલિન ISI ચીફ જનરલ ફૈઝ હમીદની સામે તપાસ શરુ કરી છે.
ફૈઝ હમીદ સામે એક મેજર જનરલની અધ્યક્ષતામાં બનેલી કમિટી તપાસ કરશે. જનરલ હમીદે 2022માં નિવૃત્ત થવાની જગ્યાએ કેટલાક મહિનાઓ પહેલા જ ISI ડાયરેકટરના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતુ.
જનરલ હમીદનુ નામ ફૈઝાબાદ ધરણા સહિતના વિવાદોમાં ઉછળ્યુ હતુ. પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચુકેલા નવાઝ શરીફે સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે, મને સત્તા પરથી હટાવવામાં પૂર્વ સેના પ્રમુખ જનરલ બાજવા તેમજ ISI ચીફ જનરલ હમીદની મુખ્ય ભૂમિકા હતી.
જોકે જનરલ હમીદની મુશ્કેલી વધવાનુ કારણ પાકિસ્તાનની એક હાઉસિંગ સોસાયટીના માલિક મોઈઝ અહેમદ ખાને સુપ્રીમ કોર્ટેમાં કરેલી પિટિશન છે. તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે,’ISIના અધિકારીઓએ 12 મે, 2017ના દિવસે જનરલ હમીદના ઈશારે મારા ઘર અને ઓફિસમાં ગેરકાયદેસર રીતે દરોડો પાડ્યો હતો. અધિકારીઓએ ઘરમાંથી કિંમતી વસ્તુઓ, સોનુ ,રોકડ રકમ અને ડાયમન્ડસની લૂંટ ચલાવી હતી. કેસની પતાવટ માટે જનરલ હમીદના ભાઈએ મારો સંપર્ક કર્યો હતો. પાછળથી જનરલ હમીદે જ મારી સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરીને આશ્વાસન આપ્યુ હતુ કે, દરોડા દરમિયાન જપ્ત કરાયેલી કેટલીક વસ્તુઓ પાછી મળશે પણ 400 તોલા સોનુ અને રોકડ રકમ પરત નહીં મળે.’
મોઈઝ ખાને કોર્ટને વધુમાં જણાવ્યુ હતુ કે, મારી પાસેથી ISIના અધિકારીઓએ ચાર કરોડ રૂપિયાની વસૂલાત પણ કરી હતી.
આ અરજીની સુનાવણી પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિતના ત્રણ જજોની બેન્ચે કહ્યુ હતુ કે, આ એક ગંભીર મામલો છે. પિટિશન કરનારના આરોપથી ISIની ઈમેજને પણ ફટકો પડી શકે તેમ છે અને એટલે આ આક્ષેપોને નજર અંદાજ કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ સેનાએ જનરલ હમીદ સામે તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનમાં ટોચના લશ્કરી અધિકારીઓ સામે આ પ્રકારની ઉચ્ચસ્તરીય તપાસ ભાગ્યે જ થતી હોવાથી ઘટનાએ દેશમાં ભારે ચકચાર જગાવી છે.