Delhi Liquor Policy Case : આજે દિલ્હીની કોર્ટમાં લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં EDએ દાવો કર્યો કે, ‘તેઓ મેડિકલ આધારે જામીન મેળવવા માટે જાણીજોઈને શુગર લેવલ વધરવા મીઠી વસ્તુ ખાઈ રહ્યા છે.’ ઈડીએ કોર્ટમાં કહ્યું કે, ‘કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટિઝ (Diabetes) છે, પરંતુ તેઓ મેડિકલ જામીન મેળવા જાણીજોઈને જેલમાં બટેટા-પુરી, મીઠાઈ અને કેરી ખાઈ રહ્યા છે.
EDએ કેજરીવાલના આરોગ્ય અંગે કોર્ટમાં શું કહ્યું ?
ઈડીએ કહ્યું કે, ‘કોર્ટે તેમને ઘરનું જમવાનું આપવા માટે મંજૂરી આપી છે. અમને જેલનાં ડીજીએ કેજરીવાલનો ડાયટ પ્લાન મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે, પરંતુ જુઓ તે શું ખાઈ રહ્યા છે – બટેકાની પુરી, કેરી…’
ઈડીએ કહ્યું કે, ‘ટાઈપ-2 ડાયાબિટિઝગ્રસ્ત વ્યક્તિ આવી વસ્તુઓ ખાય, તેવું અમે ક્યારે સાંભળ્યું નથી, પંરતુ તેઓ દરરોજ બટેકા-પુરી, કેરી અને મીઠી વસ્તુઓ ખાઈ રહ્યા છે. તેઓ મેડિકલ જામીન મેળવવા માટે આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે.’
ઈડીની દલીલો બાદ કોર્ટે જેલ વહિવટીતંત્ર પાસે કેજરીવાલના ડાયટ અંગેનો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.
કેજરીવાલના વકીલે શું કહ્યું ?
ઈડીના દાવા પર કેજરીવાલના વકીલે કહ્યું કે, ‘ઈડી આવા નિવેદનો મીડિયા માટે આપી રહી છે. શું ડાયાબિટિઝનો સામનો કરી રહેલ વ્યક્તિ આવી વસ્તુઓ ખાઈ શકે છે?
કેજરીવાલના વકીલે અરજી પરત ખેંચી
ઉલ્લેખનિય છે કે, વકીલે રાઉઝ એવન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, ‘કેજરીવાલ ડાયાબિટિઝના દર્દી હોવાથી તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટરની નિયમિત સલાહ આપવામાં આવે.’ જોકે તેમના વકીલે આ અરજી પરત ખેંચી લીધી છે. આ જ અરજીના જવાબમાં ઈડીએ કોર્ટમાં દલીલો કરી હતી.
23 એપ્રિલે કેજરીવાલની કરાઈ હતી ધરપકડ
દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. તે પહેલા ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવવા 9 સમન્સ પાઠવ્યા હતા. જોકે તેઓ કોઈપણ સમન્સ પર હાજર થયા ન હતા. ધરપકડ બાદ લગભગ 10 દિવસ સુધી કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં રહ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને પહેલી એપ્રિલે 15 દિવસની અને પછી 15 એપ્રિલે ફરી 23 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાલ કેજરીવાલ 23 એપ્રિલ સુધી તિહાર જેલમાં બંધ રહેશે. તો બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં ધરપકડના વિરોધને પડકારતી અરજી પર 29 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.