– આ જ્વાળામુખીમાં છેલ્લા કેટલાએ દિવસોથી સતત વિસ્ફોટો થઈ રહ્યા છે, સલામતી માટે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાયા છે
જાકાર્તા : ઈન્ડોનેશિયામાં ફરી એક વખત રૂઆંગ જ્વાળામુખી એક્ટિવ થઈ રહ્યો છે. દેશના ઉત્તરના સુલાવેસી પ્રાંતમાં રૂઆંગ જ્વાળામુખીમાં થઈ રહેલા વિસ્ફોટને લીધે ૮૦૦ લોકોને સલામત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાએ દિવસોથી આ જ્વાળામુખીમાંથી લાવા વહી રહ્યો છે. સાથે રાખ પણ ઉડતા આકાશમાં રાખનાં વાદળ છવાઈ ગયા છે. પ્રાંતીય મુખ્ય શહેર માનદોથી આશરે ૧૦૦ કી.મી. (૬૨ માઈલ) દૂર આવેલા રૂઆંગ દ્વિપ સ્થિત આ જ્વાળામુખી મંગળવારથી હજી સુધીમાં ત્રણથી વધુ વખત ફાટયો છે.
એક અધિકારી હેરૂનિંગત્યાસ દેશી પૂર્ણ માસરીએ પત્રકારોને જણાવ્યું હતું કે જ્વાળામુખીની વધી રહેલી કાર્યવાહીને લક્ષ્યમાં રાખી ચેતવણીનું સ્તર વધારી દેવાયું છે. આ વિસ્ફોટનું કારણ કહેતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા ભુકંપોને લીધે આ જ્વાળામુખી ફાટયો હોવાનું અનુમાન છે. આથી આકાશમાં ૧.૮ કિ.મી. (૧.૧ માઈલ) સુધી ખતરનાક અને ગર્મ વાદળ છવાયેલા દેખાતા હતા અને લોકોને નિકટતમ દ્વિપ ટૈગુલાન ડાંગમાં ફેરવ્યા છે.
આ વિસ્ફોટના ફૂટેજ દર્શાવે છે કે પહાડની નીચે પણ લાવારસ વહી રહ્યો છે. ક્રેટરની ઉપર ભુરા રંગના વાદળ છવાયેલા દેખાતા હતા.
ઉલ્લેખનીય તે છે કે પેસિફિકની ‘રિંગ ઓફ ફાયર’નો એક કાંટો ઈન્ડોનેશિયા તરફ પણ ફેલાયેલો છે. તે ભૂકંપનીય ગતિવિધિ માટે પણ કારણભુત છે. આ ક્ષેત્ર કેટલીએ ટેકટોનિક પ્લેટો ઉપર આવેલું છે.
આ પૂર્વે ૨૦૧૩ માં ડિસેમ્બર મહિનામાં મરાપી જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હતો. જેમાં ૧૧ પર્વતારોહીઓના મૃત્યુ થયા હતા.