– ઉત્તર ભારતમાં મધ્ય પ્રદેશ- ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પારો 41 ડિગ્રીને પાર
– ઓડિશામાં 18 થી 20 એપ્રિલ ભીષણ ગરમીની ચેતવણી પગલે ત્રણ દિવસ માટે શાળાઓમાં રજા : ગુજરાતના 14 શહેરોમાં પારો 40ને પાર
નવી દિલ્હી : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ બાદ આજે તાપમાનનો પારો ઉંચે ચડી જતા ચારેબાજુ જાણે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઇ હતી. ગુજરાતનું અમરેલીમાં ૪૪ ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૩.૪, મહુવામાં ૪૩.૪, કેશોદમાં ૪૨.૭, જૂનાગઢમાં ૪૨.૧ અને ભાવનગરમાં ૪૧.૭ ડીગ્રી નોંધાયું હતું.
ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે ઓડિશામાં ૧૮ થી ૨૦ એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાની ચેતવણી આપી છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે રાજ્યની શાળાઓ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઓડિશાના મયુરભાંજ જિલ્લાના બારિપાડા શહેરમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
બિહારમાં પણ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિની સમીક્ષા માટે ઇમરજન્સી બેઠક બોલાવી છે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પોલીસે લોકોને ચંદ્રા નદીથી દૂર રહેવાની ચેતવણી આપી છે. હિમસ્ખલનની આશંકાને પગલે બરફવાળા વિસ્તારોમાં પણ ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં ચૈત્ર માસના આકરા તાપની આજે વ્યાપક અસર જોવા મળી હતી. રાજ્યનાં ૧૪ શહેરોમાં આજે ૪૦ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો જાણે અગનભઠ્ઠામાં શેકાઇ રહ્યા હોય તેવી અનુુભૂતિ થઇ હતી. અમરેલી શહેર અને જિલ્લામાં ૪૪ ડીગ્રી ઉંચા તાપમાનને કારણે અનેક વિસ્તારોમાં બળબળતી બપોર અસહ્ય બની રહી હતી. આકરા તાપમાં લોકોએ બપોરના બહાર નીકળવાનું ટાળ્યું હતું. ધોમધખતા તાપને કારણે મોડે સુધી બજારો-મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. રાજ્યમાં અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન ૪૨.૨ ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૫, ડીસામાં ૪૦.૭, ગાંધીનગરમાં ૪૦.૪, વડોદરામાં ૪૩.૬, સુરતમાં ૪૨.૧, ભુજમાં ૪૧.૬, નડિયાદમાં ૩૯.૬ અને કંડલામાં ૪૨.૨ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અકળાવનારી બની રહેશે. પોરબંદર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારા વિસ્તારમાં હીટવેવની અસર વધુ જોવા મળશે. હજુ આવતીકાલ સુધી તાપમાનમાં રાહત નહીં જોવા મળે.
સૂર્યદેવના રૌદ્ર સ્વરૂપથી વાતાવરણ ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. પશુ-પંખીઓ આકરા તાપથી ત્રસ્ત થઇ આકુલ-વ્યાકુળ બની ગયા હતા. ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકો અને ખુલ્લા માર્ગો ઉપર રસ્તા ખોદકામ સહિતની મંજુરીના કામમાં રોકાયેલા મજુરોની હાલત આકરા તાપમાં ચિંતાજનક બની રહી હતી.
હિમાચલમાં હિમવર્ષા અને વરસાદ : જળસ્તર વધતા ચંદ્રા નદીથી દૂર રહેવા અને બરફવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ
હજુ એક સપ્તાહ ગરમીથી રાહત નહીં મળે
હજુ એક સપ્તાહ ગરમીમાંથી મોટી રાહત મળવાની સંભાવના હવામાન વિભાગે નકારી કાઢી હતી. સ્કાયમેટ વેધરના મહેશ પલાવતે જણાવ્યું હતું કે તાપમાનનો પારો ૧થી ૨ ડિગ્રી ઘટી શકે પણ ૪૦થી નીચે જવાની સંભાવના હજી ઓછી છે.
ભારતમાં સામાન્ય રીતે હીટ-વેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળતી હોય છે પરંતુ, હવે માર્ચ મહિનાના અંતથી બલૂચિસ્તાન તરફથી પવન ફૂંકાય છે અને એપ્રિલ મહિનામાં હીટ-વેવની સ્થિતિ પેદા થઈ રહી છે. અખાતના દેશોમાં સાયોક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો જોવા મળશે નહીં, એમ પલાવતે ઉમેર્યું હતું.
ગુજરાતના વધુ તાપમાનવાળા શહેરો
શહેર
તાપમાન(ડિગ્રી સેલ્સિયસ)
અમરેલી
૪૪.૦
રાજકોટ
૪૩.૮
વડોદરા
૪૩.૬
સુરેન્દ્રનગર
૪૩.૪
મહુવા
૪૩.૪
કેશોદ
૪૨.૭
સુરત
૪૨.૧
અમદાવાદ
૪૨.૨
કંડલા
૪૨.૨
જૂનાગઢ
૪૨.૧
ભાવનગર
૪૧.૭
ભૂજ
૪૧.૬
વલ્લભ વિદ્યાનગર
૪૧.૫
નડિયાદ
૩૯.૬