IPL 2024 : દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટથી હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા માત્ર 89 રન બનાવ્યા હતા. દિલ્હીને 90 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને દિલ્હીએ 8.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ટીમ માટે જૈક ફ્રેજર-મૈકગર્કે 20, શાઈ હોપે 19, ઋષભ પંતે અણનમ 16 રન બનાવ્યા. ગુજરાત ટીમ માટે સંદીપ વૉરિયરે 2 વિકેટ ઝડપી. રાશિદ ખાન અને સ્પેન્સર જૉનસને 1-1 વિકેટ ઝડપી હતી.
દિલ્હીના બોલરોનો તરખાટ, ગુજરાતની ટીમ નિષ્ફળ સાબિત
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. ટીમે 30 રન પર 4 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ટીમની એક બાદ એક વિકેટ પડવા લાગી. પ્રેશરમાં આવીને 17.3 ઓવરમાં 89 રન પર ગુજરાતની ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ટીમ માટે 8માં નંબરના પ્લેયર રાશિદ ખાને સૌથી વધુ 31 રન બનાવ્યા.
રાશિદ સિવાય કોઈપણ બેટ્સમેન 20 રનનો આંકડો પણ ન આંબી શક્યો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી. ફાસ્ટ બોલર મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે ઈશાંત શર્મા અને સ્પિનર ટ્રિસ્ટન સ્ટબ્સે 2-2 વિકેટ ઝડપી. ખલીલ અહમદ અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી.
પંતે એક અને ગિલે ત્રણ ફેરફાર કર્યા
ઋષભ પંતે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો. ઈજાના કારણે ડેવિડ વોર્નર મેચથી બહાર છે. તેની જગ્યાએ સુમિત કુમારને મોકો મળ્યો છે. બીજી તરફ શુભમન ગિલે ગુજરાતની પ્લેઈંગ-11માં ત્રણ મોટા ફેરફાર કર્યા છે.
વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા અને બેટર ડેવિડ મિલરની વાપસી થઈ. જ્યારે ફાસ્ટ બોલર સંદીપ વૉરિયરની આ ગુજરાત માટે ડેબ્યૂ મેચ હશે. ઉમેશ યાદવને આરામ અપાયો છે.
શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટીમે અત્યાર સુધી 6 માંથી 3 મેચ જીતી અને એટલી જ હાર્યું. જોકે આ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. બીજી તરફ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હી ટીમે 6 માંથી 2 મેચ જીતી છે. આ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9માં નંબરે છે.