Image: Facebook
IAS Officer: UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે કુલ 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 664 પુરુષ અને 352 મહિલા ઉમેદવાર છે. કુલ 2800થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાંથી તેમની પસંદગી કરવામાં આવી. પરિણામ બાદ ઉમેદવારોને IAS લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) માં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. કુલ ટ્રેનિંગ 2 વર્ષની હોય છે અને તેની શરૂઆત 15 અઠવાડિયાના ફાઉન્ડેશન કોર્સથી થાય છે.
ફાઉન્ડેશન કોર્સમાં તાલીમાર્થી IASને તંત્રથી લઈને સમાજ, દેશનું રાજકારણ, અર્થવ્યવસ્થા વગેરેની મૂળભૂત જાણકારી આપવામાં આવે છે. સાથે જ સિવિલ સર્વિસના પડકારોથી પણ અવગત કરાવવામાં આવે છે. ફાઉન્ડેશન કોર્સમાં તેમની પર્સનાલિટી ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. ફાઉન્ડેશન કોર્સ પૂરો થયા બાદ ફેઝ-1 ટ્રેનિંગ શરૂ થાય છે. શરૂઆત ભારત દર્શનથી થાય છે.
ટ્રેનિંગની શરૂઆત
ભારત દર્શન
પ્રોબેશનર IAS અધિકારીને જુદા-જુદા ગ્રૂપમાં વહેંચીને ભારત દર્શન પર લઈ જવામાં આવે છે. જેથી તે દેશની સંસ્કૃતિ, સભ્યતા અને વારસાને જાણી શકે. આ દરમિયાન દેશની તમામ હસ્તીઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે. જેમ કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે. જે બાદ તેમને થોડા-થોડા સમય માટે અલગ-અલગ કાર્યાલયમાં અટેચ કરવામાં આવે છે. જેથી ત્યાંના કાર્યની રીતને ઝીણવટપૂર્વક સમજી શકે. પ્રોબેશનર IAS અધિકારીને અઠવાડિયું લોકસભા સચિવાલયમાં પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ પણ ભારત દર્શનનો જ ભાગ હોય છે.
એકેડેમિક મોડ્યૂલ
ભારત દર્શન બાદ પ્રોબેશનર IAS પાછા LBSNAA આવે છે જ્યાં 4 મહિનાની એકેડેમિક ટ્રેનિંગ શરૂ થાય છે. જેમાં પોલિસી મેકિંગથી લઈને લેન્ડ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, નેશનલ સિક્યોરિટી, ઈ ગવર્નન્સ જેવા ટોપિક સામેલ હોય છે. મસૂરી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રોબેશનર IASના દિવસની શરૂઆત સવારે 6 એ થાય છે.
ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ
એકેડેમિક મોડ્યૂલ બાદ પ્રોબેશનર IAS ને ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પર મોકલવામાં આવે છે. જ્યાં તેઓ એક વર્ષ પસાર કરે છે. જિલ્લામાં રહીને ત્યાંના અલગ-અલગ વિભાગોની સાથે તંત્રના કાર્યથી લઈને જિલ્લાના પડકારો અને તેના સમાધાનને વધુ ઝીણવટપૂર્વક સમજે છે. એક રીતે આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય છે.
બીજા તબક્કાની ટ્રેનિંગ
ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પ્રોબેશનર IAS બીજી વખત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન પાછા ફરે છે. ત્યાં તેમની ફેઝ ટુ ની ટ્રેનિંગ હોય છે. જેમાં તેઓ પોતાની ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગનો અનુભવ, પડકારો વગેરે શેર કરે છે. આ તબક્કામાં સ્પેશિયલ સેશન આયોજિત કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા વિષયોના નિષ્ણાત તેમને ટ્રેનિંગ આપે છે.
કલેક્ટર ક્યારે બને છે
કુલ મળીને 2 વર્ષની ટ્રેનિંગ બાદ પ્રોબેશનર IAS, કાયમી IAS અધિકારી બને છે. જે બાદ તેમને સંબંધિત કેડરને સોંપવામાં આવે છે. તેઓ સંબંધિત રાજ્યમાં નાયબ જિલ્લાધિકારી (એડીએમ), એસડીએમ, સીડીઓ, એસડીઓ અથવા જોઈન્ટ કલેક્ટર તરીકે પોતાની સેવા શરૂ કરે છે. આ પદ દરેક રાજ્યની જરૂરિયાતો અનુસાર અલગ હોઈ શકે છે. આ પદ પર કુલ 6 વર્ષ પસાર કર્યા બાદ IAS અધિકારીની કલેક્ટર, DM અથવા ડેપ્યુટી કમિશ્નર તરીકે નિમણૂક થાય છે.
શું ટ્રેનિંગમાં પગાર મળે છે?
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ દરમિયાન પ્રોબેશનર IAS અધિકારીને સરકાર પગાર આપે છે. દર મહિને 56,100 પગાર મળે છે. જેમાં TA-DA અને HRA સામેલ નથી. જોકે તેમના પગારમાંથી તમામ કપાત પણ થાય છે. એક રીતે 35000ની આસપાસ પગાર તેમના હાથમાં આવે છે.
1946માં IAS સેવા શરૂ થઈ
ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે ભારતીય વહીવટી સેવાની રચના વર્ષ 1946માં થઈ. તે પહેલા અંગ્રેજી શાસન દરમિયાન ઈન્ડિયન ઈમ્પીરિયલ સર્વિસ (IIS) હતી, જે 1893થી લાગુ હતી. વર્તમાનમાં મુખ્ય બે પ્રકારે IAS અધિકારીની પસંદગી થાય છે. પહેલી યુપીએસસી દ્વારા સીધી પરીક્ષાથી અને બીજી દરેક રાજ્યના પ્રાંતીય સેવાના અધિકારીઓને પ્રમોટ કરીને IAS બનાવવામાં આવે છે.