– દંપતી ખેતી કામ કરી પરત જઇ રહ્યા હતા ત્યારે બનેલો બનાવ
– ટ્રેક્ટર ચાલક ખેડૂતે સ્ટેયરિંગ પરથી કાબુ ગૂમાવતા અકસ્માત સર્જાયો : પાલિકાના ફાયર ફાઇટર દ્વારા કેનાલમાં દંપતીની શોધખોળ કરી પણ મોડી રાત્રિ સુધી પત્તો ના લાગ્યો
સુરેન્દ્રનગર : વઢવાણના ખેરાળી ગામ પાસે સાંજના સમયે ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હતું. આ ઘટનાને પગલે પાલિકાની ફાયર ફાઇટરની ટીમ દ્વારા ખેડૂત દંપતીની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત્રિ સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલમાં ડુબી જવાથી મોતના બનાવો વધી રહ્યાં છે, ત્યારે ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ કમેજળીયા અને તેમના ૫ત્ની અનસોયાબેન ખેતી કરી પરત જઈ રહ્યાં હતાં, તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે ટ્રેકટરના ચાલક ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું.
આ ઘટનાની જાણ આસપાસથી પસાર થતા વાહનચાલકો સહિત લોકોને થતાં ઉમટી પડયા હતા અને આ મામલે ગામના સરપંચ સહિત આગેવાનો તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ સહિતને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેનાલમાં ડૂબેલા દંપતિની શોધખોળ હાથ ધરી હતી.
પાલિકાની ટીમ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ શરૂ રાખવામાં આવી હતી. પરંતુ દંપતિનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. જ્યારે આ બનાવને પગલે સમગ્ર ખેરાળી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.