– ઇઝરાયલે એફ-15, એફ-16 અને એફ-35 યુદ્ધ વિમાનો તૈનાત કરી વળતો હુમલો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે

નવી દિલ્હી : ઇઝરાયલે ઇરાન ઉપર નિશ્ચય અને પૂરી તાકાતથી બદલો લેવા તૈયારી કરી લીધી છે. તેણે તેના એફ-૧૫, એફ-૧૬ અને એફ-૩૫ યુદ્ધ વિમાનો તૈનાત કરી વળતો હુમલો કરવાનું છે તે નિશ્ચિત લાગે છે. પરંતુ તે હુમલો ક્યારે કરાશે તે વિષે કોઈ સમય જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ જાસૂસી અહેવાલો સ્પષ્ટ રીતે જણાવે છે કે ૧૪ એપ્રિલ અને શનિવારે ઇરાને મિસાઇલ્સ અને ડ્રોન દ્વારા કરેલા હુમલાનો ઇઝરાયલ કટ્ટર જવાબ આપશે જ.

ઇઝરાયલની વોર-કેબિનેટની આ અંગે બે બેઠકો મળી હતી, તેમાં ઇરાનને કટ્ટર જવાબ આપવા વિષેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જો કે તે અંગે કોઈ નિશ્ચિત સમય રેખા અત્યારે જણાવવામાં આવી નથી. પરંતુ ઇઝરાયલે તેનાં એફ-૧૫, એફ-૧૬ અને એફ-૩૫ પ્રકારનાં (અમેરિકાએ આપેલા) યુદ્ધ વિમાનો તૈયારની સ્થિતિમાં મુકી દીધા છે.

સોમવાર, તા. ૧૫મી એપ્રિલે ઇઝરાયલની સેનાના વડા લેફટ. જન. હર્ઝી હેલેવીએ કહ્યું હતું કે, ઇરાનની કાર્યવાહીનો બરોબરનો જવાબ આપવામાં આવશે. પરંતુ તેઓે પણ કોઈ સમય મર્યાદા મુકી ન હતી. તો બીજી તરફ ઇઝરાયલ માને છે કે આ વળતા હુમલાથી કૈં વ્યાપક યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના નથી.

દરમિયાન અમેરિકા અને તેના સાથીઓએ ઇઝરાયલને સંયમ રાખવા જણાવી દીધું છે. જો બાયડેને બેન્જામીન નેતન્યાહૂને કહ્યું છે કે, ઇઝરાયલ દ્વારા કરાતા વળતા હુમલાને અમેરિકા સમર્થન નહીં આપે.

નિરીક્ષકો કહે છે કે, અમેરિકા કે યુ.કે. કે પશ્ચિમના અન્ય દેશો ભલે બહારથી ઇઝરાયલને કહે કે શાંતિ જાળવો, સંયમ રાખો. વગેરે વગેરે પરંતુ વાસ્તવમાં તેઓ ઇઝરાયલને પૂરી મદદ કરે જ છે. નહીં તો આટલા બધા શસ્ત્રો અને આટલા બધા વિમાનો તેની પાસે આવ્યા ક્યાંથી ? ઇઝરાયલ તો ભૂમધ્ય સમુદ્રમાંથી મધ્ય પૂર્વમાં જવાનું પશ્ચિમ માટેનું ફૂટબોર્ડ છે. વળી તેની સાથે પશ્ચિમને ધાર્મિક બંધન પણ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *