Election Commission Action on Randeep Surjewala: લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાના વિવાદિત નિવેદનથી આજે (મંગળવાર) ચૂંટણી પંચે તેમના પર મોટી કાર્યવાહી કરી છે. તેમને આગામી 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર, રણદીપ સિંહ સૂરજેવાલા 16મી એપ્રિલથી 18મી એપ્રિલની સાંજે 6 વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષ માટે પ્રચાર કરી શકશે નહીં.
હેમા માલિની વિશે વિવાદાસ્પદ નિવેદન
કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ હરિયાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશની મથુરા બેઠકથી વર્તમાન સાંસદ અને આ બેઠક પરથી ફરી એકવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી અભિનેત્રી હેમા માલિની વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે આજે ચૂંટણી પંચે તેમના પર ચૂંટણ પ્રચાર કરવા પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત, તેઓ આ પ્રતિબંધ દરમિયાન મીડિયા સાથે વાત પણ કરી શકશે નહીં.
રણદીપ સૂરજેવાલાએ સ્પષ્ટતા કરી
રણદીપ સૂરજેવાલાએ પણ આ મામલે ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, ‘મારો ઈરાદો હેમા માલિનીનું અપમાન કરવાનો કે તેમને દુઃખ પહોંચાડવાનો નહોતો. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.’ જો કે, હવે ચૂંટણી પંચે તેમની દલીલો પર કોઈ ધ્યાન આપ્યું નથી અને તેમની સામે 48 કલાક પ્રચાર ન કરવાનો આદેશ આપ્યો છે.
હેમા માલિનીએ શું કહ્યું?
ભાજપના સાંસદ હેમા માલિનીએ રણદીપ સૂરજેવાલાના નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જે લોકો વિખ્યાત છે તેમને જ નિશાન બનાવવામાં આવે છે. કોંગ્રેસ આવા લોકો સામે પગલાં કેમ લેતું નથી? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઈએ કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું.’