Lok sabha Elections 2024: વિરોધ પક્ષો દ્વારા સરકાર પર તેમના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવા પર ચૂંટણી પંચે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતુ્ કે, દરેક પાર્ટી અને ઉમેદવારો માટે સમાન તકો અને પ્રચાર અધિકારોની રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. પંચે કહ્યું કે, અમને લાગે છે, કે એવું કોઈ પગલું ભરવું યોગ્ય નથી, કે જેના કારણે કાયદાકીય પ્રક્રિયાને અવરોધ પહોચે.
બંધારણ પ્રમાણે અમે તેમા કોઈ પગલાં લઈ શકતા નથી.
ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું હતું કે, રાજકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા મુદ્દાઓ કે, જેમા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને કોર્ટનો ચૂકાદો હજુ બાકી છે, તેની વર્તમાન પરિસ્થિતિ જોતા બંધારણ પ્રમાણે અમે તેમા કોઈ પગલાં લઈ શકતા નથી.
કાયદાકીય ન્યાયિક પ્રક્રિયાને અવરોધે તેવું કોઈ પગલું ભરવું યોગ્ય નથી
ચૂંટણી પંચે કહ્યું કે, “પંચ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સમાન અવસર તેમજ તેમના પ્રચાર અધિકારોનું રક્ષણ કરવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, પરંતુ કાયદાકીય ન્યાયિક પ્રક્રિયાને અવરોધે તેવું કોઈ પગલું ભરવું યોગ્ય નથી…”
પંચે કહ્યું કે, તેમણે આ મામલા સાથે જોડાયેલી દરેક અરજીઓ પર ગંભીરતાથી વિચારણા કરી છે અને તમામ કેસોમાં ચાલી રહેલી તપાસમાં સંબંધિત નેતાઓની ભૂમિકા અને કોર્ટના આદેશ પર ચાલી રહેલી ગુનાહિત તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને લોકસભા ચૂંટણીને નિષ્પક્ષ બનાવવા અને તમામ પક્ષોને સમાન તક આપવા માટે પ્રતિબદ્ધ છે.
વિવિધ પક્ષો અને ઉમેદવારો દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ ફરિયાદો નોંધાઈ
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, દેશભરમાંથી વિવિધ પક્ષો અને ઉમેદવારો દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ ફરિયાદો કરવામા આવી છે, જેમાંથી 169 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ભાજપે 51 ફરિયાદો નોંધાવી હતી, જેમાંથી 38 પર કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા 59 ફરિયાદો આપવામાં આવી હતી તેમાંથી 51નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પક્ષો દ્વારા પંચને 90 ફરિયાદો મળી હતી, જેમાંથી 80 પર કાર્યવાહી થઈ ગઈ છે.
વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ ના કેટલાક પક્ષોએ સરકાર પર તેમના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો.