– ફેસબુક પર તાંત્રિક સાથે સંપર્ક બાદ યુવાન વિધિના ચક્કરમાં સલવાયો : ઉજ્જૈનના તાંત્રિક મુનિશકુમારે જુદીજુદી વિધી કરવા ટુકડે ટુકડે પૈસા જમા કરાવ્યા હતા
– ઈચ્છાપોરમાં કાર કંપનીના એકઝીકયુટીવ યુવાનને માથાનો દુઃખાવો, નોકરી છૂટી જતી હતી, ખરાબ સપના આવતા તણાવમાં રહેતો હતો
સુરત, : સતત માથાનો દુખાવો રહેતો હોય, નોકરી છૂટી જતી હોય અને ખરાબ સપના આવતા હોય તણાવમાં રહેતા સુરતના અડાજણના યુવાનને તેમાંથી છુટકારો અપાવવા માટે ઘરમાંથી ખરાબ આત્માઓ બહાર કાઢવા, ઘરમાં દટાયેલું સોનું બહાર કાઢવા જુદીજુદી વિધી કરવા માટે ફેસબુક મારફતે સંપર્કમાં આવેલા તાંત્રિકે રૂ.15.51 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ઈચ્છાપોરની કાર કંપનીમાં સર્વિસ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતા 34 વર્ષીય રાકેશ્ભાઈ ( નામ બદલ્યું છે ) ને વર્ષ 2022 માં માથાનો દુખાવો રહેતો હોય, નોકરી છૂટી જતી હોય તેમજ ખરાબ સપના આવતા હોય સતત તણાવમાં રહેતા હતા.દરમિયાન, ઓક્ટોબર મહિનામાં તેમણે ફેસબુક ઉપર ઉજ્જૈનના શૈલેન્દ્રનાથ અઘોરી તાંત્રિકનું એકાઉન્ટ જોતા અને તેમાં તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાન લખ્યું હોય તેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો.તાંત્રિકે પોતાની ઓળખાણ મુનિશકુમાર વિશ્વનાથ તરીકે આપી તમે મને તમારા જીવનની કોઇપણ સમસ્યા કહો હું તમારી દરેક સમસ્યાઓનું પુજા વિધિથી નિરાકરણ લાવી આપીશ. હું મહાકાલનો ભક્ત છું મારા ઉપર વિશ્વાસ કરો હું કોઇનું પણ ખોટુ કરતો નથી તેમ કહેતા રાકેશભાઈએ પોતાની સમસ્યાઓ અંગે વાત કરી હતી.
તાંત્રિક મુનિશકુમારે તેમને જણાવ્યું હતું કે તમારા ઘરમાં સાત ખરાબ આત્માઓ છે, તેને બહાર કાઢી સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે.જેની વિધી માટે તમારે રૂ.20 હજાર દક્ષિણા આપવી પડશે.આથી રાકેશભાઈએ પોતાની બહેનના એકાઉન્ટમાંથી રૂ.20 હજાર મુનિશકુમારે જે એકાઉન્ટની વિગતો આપી હતી તેમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.ત્યાર બાદ મુનિશકુમારે તમારા ઘરમાંથી ચાર આત્માઓ નીકળી ગઈ છે અને ત્રણ આત્માઓ નીકળતી નથી તો તમારે ત્રણ બકરાની બલી ચઢાવવી પડશે અને તેના માટે તમારે વિધી માટે રૂ.1,26,500 આપવા પડશે કહી તે રકમ પણ ટ્રાન્સફર કરાવી હતી.ત્યાર બાદ મુનિશકુમારે રાકેશભાઈને કહ્યું હતું કે મે તાંત્રીક વિધિથી જાણ્યું છે કે તમારા ઘરમાં ખુબ જ મોટા પ્રમાણમાં સોનું દટાયેલું છે અને તે સોનું તમારા ઘરમાંથી બહાર કાઢવા માટે અમારે તમારા ઘરે આવી વિધી કરવી પડશે અને અમે 9 જાન્યુઆરી 2023 સોમવારે તમારા ઘરે આવીશું.તે વિધી માટે મુનિશકુમારે રૂ.6500 જમા કરાવી વિધી અગાઉ ઘરમાં ખાડો ખોદાવીને તૈયાર રાખવા કહેતા રાકેશભાઈએ 8 જાન્યુઆરીના રોજ મજૂરને બોલાવી ઘરના બીજા નંબરના રૂમમાં ખાડો ખોદાવ્યો હતો.
બીજા દિવસે બપોરે મુનિશકુમાર બીજા બે માણસો સાથે રાકેશભાઈના ઘરે આવ્યા હતા અને ત્રણેયે વિધી કરી હતી.મુનિશકુમારે બાદમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં ઘણું બધુ સોનું છે તે કાઢવા માટે તમારે 108 બકરાની બલી તથા ખપ્પરની વિધી કરાવવી પડશે.તે સમયે મુનિશકુમારે રાકેશભાઈને આંગળી પકડાવીને વિધી કરવા માટે વચન પણ લેવડાવ્યું હતું.ત્યારબાદ તે રાકેશભાઈના પિતા પાસેથી રૂ.85 હજારની મત્તાની સોનાની દોઢ તોલાની ચેઇન અને રોકડા રૂ.25 હજાર લઈ સવા ચાર વાગ્યે ચાલ્યા ગયા હતા.ત્યારબાદ તેમણે એક બકરાની બલી ચઢાવવાની વિધી પેટે રૂ.10 હજાર માંગતા રાકેશભાઈએ તે પૈસા ટ્રાન્સફર કરતા થોડા જ દિવસોમાં મુનિશકુમારે 108 બકરાની બલી અને ખપ્પરની વિધી માટે ટુકડે ટુકડે 20 જાન્યુઆરીથી 23 માર્ચ 2023 દરમિયાન બહેન અને માતાના એકાઉન્ટમાંથી કુલ રૂ.8,21,100 ટ્રાન્સફર કર્યા હતા.તે પૈકી રૂ.10 હજાર મુનિશકુમારે 7 એપ્રિલે પરત કર્યા હતા.ત્યારબાદ મુનિશકુમારે સુદર્શન યજ્ઞ કરાવવો પડશે અને તેનો ખર્ચ આશરે રૂ.4.50 લાખ થશે અને યજ્ઞ અગીયાર દિવસનો થશે તેમ કહી 18 મે સુધીમાં કુલ રૂ.4,67,010 ટ્રાન્સફર કરાવ્યા હતા.
રાકેશભાઈએ મુનિશકુમારને ફોન કરતા તેમણે ત્રણ દિવસમાં સુરત ઘરે આવી વિધી કરવાનું કહ્યું હતું.પણ તેમને ફોન કરતા તે ફોન રિસીવ કરતા નહોતા.થોડા દિવસ બાદ અન્ય વ્યક્તિએ ફોન રિસીવ કરી તેમનો એક્સીડન્ટ થયો છે અને હોસ્પિટલમાં દાખલ છે તેમ કહ્યું હતું.ત્યારબાદ તે ખોટાખોટા વાયદાઓ કરી અલગ અલગ વિધીનું જણાવતા હોવાથી રાકેશ્ભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતા તેમણે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નં.1930 ઉપર ફોન કરી ફરીયાદ આપી હતી.તેના આધારે સુરત સાયબર ક્રાઈમ પોલીસે તેમની અરજી લઈ બાદમાં ગતરોજ તાંત્રિક અને તેના સાગરીતો વિરુદ્ધ કુલ રૂ.15,51,110 ની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.તાંત્રિકને ઝડપી પાડવા એક ટીમ ઉજ્જૈન રવાના થઈ છે.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે.