image : Socialmedia

Attack on Hindu Community in America : અમેરિકામાં હિન્દુ સમુદાય સામે વધી રહેલી નફરત સામે લડત શરૂ કરનારા ભારતીય મૂળના અમેરિકન સાંસદ શ્રી થાનેદારે ફરી હિન્દુ સમુદાયને ચેતવણી આપી છે.

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યુ હતુ કે, ‘અમેરિકામાં હિન્દુત્વ પરના હુમલાની હજી તો શરુઆત જ થઈ છે. હું આગામી દિવસોમાં હિન્દુફોબિયા(હિન્દુઓ વિરુધ્ધ નફરત)માં વધારો થશે તેવુ જોઈ રહ્યો છુ. હિન્દુઓ વિરુધ્ધ સોશિયલ મીડિયા પર યોજનાબધ્ધ રીતે દુષ્પ્રચાર થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી હિન્દુ મંદિરો પર થયેલા હુમલામાં જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમની ધરપકડ પણ કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. મને લાગે છે કે, હિન્દુ સમુદાય સામેના ષડયંત્રની હજી તો શરુઆત થઈ છે. હવે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયે એક થવાનો સમય આવી ગયો છે. હું પણ તેમની સાથે જ ઉભો છું.’

થાનેદારે આગળ કહ્યુ હતુ કે, ‘હું પોતે હિન્દુ ધર્મને માનુ છું અને હિન્દુ પરિવારમાં મારો ઉછેર થયો હોવાથી મને ખબર છે કે હિન્દુ ધર્મ શું છે. હિન્દુ ધર્મ બહુ જ શાંતિપ્રિય ધર્મ છે અને આ ધર્મમાં માનનારાઓએ ક્યારેય બીજા સમુદાય પર ધર્મના નામે હુમલા કર્યા નથી.’

ઉલ્લેખનીય છે કે, થાનેદાર તેમજ ભારતીય મૂળના બીજા ચાર સાંસદોએ હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવાની વધતી જતી ઘટનાઓ અંગે અમેરિકાના કાયદા વિભાગને પત્ર લખીને તપાસ કરવા માટે અપીલ કરી હતી. સાથે સાથે તેમણે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *