Surat Corporation Online Tax : ખાણી પીણીના શોખીન અને સ્વચ્છતામાં નંબર વન લાવનારા સુરતીઓ પાલિકાનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં પણ અગ્રેસર જોવા મળી રહ્યાં છે. નાણાકીય વર્ષના પહેલા દિવસે સૂરજ ઊગે તે પહેલાં 954 સુરતીઓએ 88 લાખ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.
વર્ષો પહેલાં સુરત પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં વેરો ભરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ જ્યારથી સુરત પાલિકાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઇન ટેક્સ ભરવા માટેનું શરુ કર્યું છે ત્યારથી સુરતીઓ ટેક્સ ભરવા માટે ઓનલાઈન પદ્ધતિને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. સુરત પાલિકાએ ગત નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધીમાં સુરત પાલિકાની તિજોરીમાં 1564 કરોડ જમા થઈ ગયા હતા. તેમાં પણ છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચ સુધીમાં એક જ દિવસમાં 29 કરોડ રૂપિયાનો વેરો પાલિકાની તિજોરી માં જમા થયો હતો.
સુરત પાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનારાઓને રિબેટ આપવામાં આવે છે તેના કારણે સુરતીઓ એડવાન્સ ટેક્સ ભરવામાં ઉતાવળ કરી રહ્યાં છે. તેમાં પણ નાણાકીય વર્ષ પુરું થાય એટલે કે રાત્રીના 12 વાગ્યાથી જ સુરતીઓ એડવાન્સમાં ઓનલાઈન વેરો ભરી દે છે અને છેલ્લા કેટલાક વખતથી 31 એપ્રિલના રાત્રીના 12 વાગ્યા બાદ ઓનલાઈન વેરો કરનારાઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે પણ રાત્રીના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 954 લોકોએ 88 લાખનો વેરો ઓનલાઈન થી પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.