UPSC CSE Result 2023 declared: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પાસ કરી છે. આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
કુલ 2,800થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યૂ આપ્યો
અહેવાલો અનુસાર, IAS માટેના ઈન્ટરવ્યૂ ચોથી જાન્યુઆરીથી નવમી એપ્રિલ 2024 સુધી ચાલ્યું હતું. UPSC મુજબ, કુલ 2,800થી વધુ ઉમેદવારો વિવિધ તબક્કામાં લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં હાજર થયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પછી આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય પદ પર પસંદ કરાયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર તેમના રેન્ક અનુસાર જાહેર કરવામાં આવ્યા છે.
વર્ષ 2023માં પરીક્ષા લેવામાં આવી હતી
યુપીએસસીએ આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં ગ્રૂપ A અને ગ્રૂપ Bની ભરવા માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28મી મે 2023માં લેવામાં આવી હતી. પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારો પરીક્ષાના આગળના રાઉન્ડમાં હાજર થયા. UPSC દ્વારા 15, 16, 17, 23 અને 24મી સપ્ટેમ્બર 2023માં બે શિફ્ટમાં પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.