– હેમાળ ગામેથી પાઈપલાઈન લંબાવવામાં આવે તો પ્રશ્ન હલ થાય

– ખેડૂતો અને ખેતમજુરોને દૂર-દૂર સુધી પાણી ભરવા માટે કરવી પડતી રઝળપાટ, તંત્ર સામે લોકોમાં રોષ

રાજુલા : જાફરાબાદ તાલુકાના ૧૨ હજારની વસ્તી ધરાવતા કડીયાળી ગામની વસ્તી માટે પીવાના પાણીનો એકેય કુવો નથી. અત્રે કુવો ગાળવામાં આવે તો દરિયો નજીક હોવાથી ખારૂ પાણી નિકળે છે જે પીવાલાયક હોતુ નથી.મહત્તમ ખેડૂત અને ખેતમજુરોની વસ્તી ધરાવતા આ ગામના લોકો આખો દિવસ ખેતીમાં મજુરી કરીને સાંજે ઘરે પરત આવે ત્યારે પીવા માટે પાણી હોતુ નથી આથી તેઓને મને કમને દૂર દૂરના વાડી ખેતરોમાં આવેલા કુવામાંથી પાણી ભરવા માટે રઝળપાટ કરવી પડે છે. 

કડીયાળીના ગ્રામજનોની સાથે અત્રેની સરકારી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાના બાળકોને પણ પાણી મળતુ નથી.કડીયાળી ગામની નજીક આવેલ વઢેરા ગામેથી પાણીની પાઈપલાઈન આપેલ છે. જયારે કડીયાળી ગામ ઉંચાઈ ઉપર આવેલ હોવાથી વઢેરા ગામથી આવતી પાણીની પાઈપલાઈનથી પમ્પ તેમજ મોટર દ્વારા પ્રેશરથી પણ પાણી પહોંચતુ ન હોય તેમાં પણ અવારનવાર ફોલ્ટ આવ્યા કરે છે અને તે પાણી આ ગામને મળતુ જ નથી. જેથી ગ્રામજનોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. જો  તંત્રવાહકો દ્વારા જાફરાબાદ તાલુકાના હેમાળ ગામેથી ઘેસપુર, સોખડા ગામને જે પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવે છે. તે પાઈપલાઈન લંબાવીને કડીયાળી ગામને જો પાણી આપવામાં આવે તો જ આ ગામના પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓને વારંવાર રૂબરૂ તેમજ લેખિત રજુઆતો કરી હોવા છતાં તંત્રવાહકો દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોય ગ્રામજનોમાં કચવાટ વ્યાપેલ છે. આ સમસ્યા અંગે જાગૃત નાગરીકો દ્વારા પાણી પુરવઠા મંત્રીથી લઈને વડાપ્રધાન સુધી લેખિત રજુઆત કરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *