અમદાવાદ,ગુરૂવાર
વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા એક તબીબને સોશિયલ મિડીયામાં
બદનામ કરીને હોસ્પિટલને તાળા મરાવી દેવાની ધમકી આપીને એક માથાભારે શખ્સે રૂપિયા ૧૩
લાખની ખંડણી માંગી હતી. જે અનુસંધાનમાં વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધીને ધમકી આપનારની
ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિરમગામમાં રહેતા ડૉ. પ્રકાશભાઇ સારડા માંડલ રોડ પર ખાનગી ઓર્થોપેડિક
હોસ્પિટલ ધરાવે છે. તેમના પત્ની નયનાબેન પણ એનેસ્થેટીક સર્જન તરીકે હોસ્પિટલમાં સેવા
આપે છે. ગત ૧૪મી ઓગસ્ટના રોજ તેમણે એક વોટ્સએપ
ગુ્રપમાં પોસ્ટ જોઇ હતી. જેમાં તેમની હોસ્પિટલમાં ગેરકાયદેસર કામો, તોડપાણી થતા હોવાની
વાતનો ઉલ્લેખ હતો. જેથી પ્રકાશભાઇ આ પોસ્ટ
મુકનાર વિજય સભાડ નામના વ્યક્તિને વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં તેણે ધમકી આપી હતી
કે જો હોસ્પિટલ ચાલવા દેવી હોય તો ૧૩ લાખ રૂપિયા આપવા પડશે. કારણ કે મે એપીએમસીમાં
એક દુકાન બુક કરાવી છે. જેના નાણાં જોઇશે.
બાદમાં તેણે સતત ધમકી ચાલુ રાખીને પહેલા
ચાર લાખ રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું. જેથી
ડૉ. પ્રકાશભાઇએ ચાર લાખ આપવાની તૈયારી
બતાવીને ઘરેથી લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ, આ સમયે અન્ય એક તબીબને જાણ થતા તેમણે વિજય સભાડને ખોટી રીતે
હેરાન કરવાનું કહ્યું હતું. જો કે તેણે તબીબને
પણ ધમકી આપી હતી. છેવટે આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવેએ માથાભારે વિજય સભાડની ધરપકડ કરીને કાયદેસરની
કાર્યવાહી કરી છે.