અમદાવાદના નરોડા પાટિયા નજીક નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સરદારનગર પોલીસે સગીર સહિત 2 આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલા લીધા છે. મૃતકે પાણીની બોટલ ફેંકી દેતા સગીર આરોપીએ નિવસ્ત્ર કરીને હત્યાને અંજામ આપ્યો હતો.

 આરોપીએ પોતાના સગીર મિત્રની સાથે રહીને એક યુવકની કરપીણ હત્યા કરી હતી

સાથે જ આરોપીએ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મૃતકની ખોટી માહિતી પોલીસને આપી હતી. જેની તપાસ કરતા મૃતક જીવિત હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મહેન્દ્ર ઉર્ફે કાળુ પરમાર છારા છે. આ આરોપીએ પોતાના સગીર મિત્રની સાથે રહીને એક યુવકની કરપીણ હત્યા કરી હતી. જેથી સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

31 ઓગસ્ટની રાત્રે નરોડા પાટિયા પાસે બની હતી ઘટના

ઘટનાની વાત કરીએ તો 31 ઓગસ્ટની રાત્રે નરોડા પાટિયામાં અપના ઘર સોસાયટીમાં એક દુકાનની બહાર યુવકનું પથ્થરથી માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યા કેસમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરતા મહેન્દ્ર ઉર્ફે કાળુ અને સગીરની હત્યા કેસમાં ધરપકડ કરી હતી. મૃતકે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પાણીની બોટલ ફેંકી દેતા હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીર વયનો આરોપી મુખ્ય સૂત્રધાર છે. જ્યારે મહેન્દ્ર ઉર્ફે કાળુએ હત્યામાં મદદ કરી હતી. સગીર અને મૃતક વચ્ચે તકરાર થતાં સગીર આરોપીએ મૃતકના પહેરેલા કપડા કાઢીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ આરોપીઓ મૃતકની ઓળખ ના થાય માટે તેને નગ્ન અવસ્થામાં મૃતદેહ મૂકીને કપડા લઈ ગયા હતા. ઉપરાંત વિકૃત હાલતમાં મૃતકનું માથું છુદીને ફરાર થઈ ગયા હતા. આ બંન્ને આરોપી નરોડા અને કુબેરનગરમાં નાસતા ફરતા હતા.

પોલીસે બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો

પોલીસ તપાસમાં હત્યા દરમ્યાન પાંચ જેટલા સ્થાનિક લોકોએ આ આરોપીઓને હત્યાના સ્થળે હાજર જોયા હતા. જેથી સરદારનગર પોલીસે બંન્નેની ધરપકડ કરીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની તપાસ કરતા તેના વિરુદ્ધ અગાઉ બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનાર આરોપીઓ અને મૃતક એકબીજાથી અપરિચિત હતા અને સામાન્ય તકરારમાં હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું છે.

સરદારનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની તો ધરપકડ કરી, પરંતુ મૃતકની ઓળખ થઈ નથી. અગાઉ આરોપીએ હત્યા કરેલા યુવકની જુદા જુદા 2 વ્યક્તિની ઓળખ આપી હતી. જોકે તે બંને લોકો જીવિત નીકળ્યા હતા. ત્યારે વધુ એક પરિવારે મૃતક તેમનો દીકરો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે DNA ટેસ્ટ માટે FSLની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓના ગુનાહિત ઈતિહાસને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *