– દ. યુરોપમાં છેલ્લાં ત્રણ વર્ષથી અકાલ જેવી સ્થિતિ છે
– ભૂમિગત પણ જળ નથી : ઓલીવની વાડીઓ સુકાઈ રહી છે : ઉ.ગ્રીસમાં તો સ્થિતિ અત્યંત કરૂણ : બોર પણ સુકાઈ રહ્યાં છે
નવી દિલ્હી, નીઆસલાશ (ગ્રીસ) : એક તરફ વિશ્વની એક મહાન સંસ્કૃતિ ધરાવતા દેશ ભારતમાં ઇન્દ્ર દેવ કાળો કેર વર્તાવે છે ત્યારે બીજી તરફ તેવી જ મહાન સંસ્કૃતિ ધરાવતા યુનાન (ગ્રીસ)માં સૂર્ય દેવનો કેર વરસી રહ્યો છે. છેલ્લા કેટલાએ સપ્તાહોથી ત્યાં વર્ષાનું નામ નથી દેખાતુ. સરોવરો સુકાઈ રહ્યાં છે, તરૂવરો નીરસ બની રહ્યાં છે. ઊભો પાક સુકાઈ રહ્યો છે. તેને જીવંત રાખવા પાણીના બંબાઓ પાણી વહાવી રહ્યા છે. ભૂમિગત જળ પણ સુકાઈ રહ્યાં છે. યુનાનનાં પ્રતીક સમાન ઓલીવ ફળની વાડીઓ પણ સુકાઈ રહી છે. ઉત્તર યુનાનમાં તો પરિસ્થિતિ અત્યંત કરૂણ બની ગઈ છે.
ઉત્તર યુનાનમાં ઓલિવની વાડી ધરાવતા દીમીત્રિય પેપાદકીસ તેની ઓલિવની વાડીએ રોજ સવારે તેના કુમારાવસ્થામાં રહેલા પુત્ર સાથે પહોંચે છે. તે આજુબાજુના વિસ્તારમાંથી તેના પાણીના ટ્રકમાં પાણી ભરી તે વાડીમાં વહાવે છે અને ગમે તેમ કરી પાકને જીવંત રાખવા મથી રહ્યો છે.
આમ છતાં તે નિ:શ્વાસ સાથે કહે છે કે હવે તો બોર હોલ્સ પણ સુકાતા જાય છે. આ પેપાદકીસ હાલ્કીદીકી ગામની એગ્રીકલ્ચરલ કો ઓપરેટિવ સોસાયટીનો પ્રમુખ પણ છે. વાસ્તવમાં આ વિસ્તારમાં ત્રણ નાની ભૂશિરો છે. તે સહેલાણીઓ માટેનું પ્રિય સ્થળ છે.
દક્ષિણ યુરોપમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. પાણીની ખેંચને લીધે ત્યાં સરોવરો સુકાઈ રહ્યાં છે. જંગલી અશ્વો પણ મૃત્યને ભેટે છે.
પાપાદકીસનાં ૨૭૦ જેટલા ઓલીવ વૃક્ષો સુકાઈ રહ્યા છે. ભૂમિતળમાંથી આવતું પાણી પણ હવે ખારૂ બની રહ્યું છે. પરિણામે પાકનો ઉતાર અર્ધો થઈ જવાની ભીતિ રહી છે.
બીજી તરફ સહેલાણીઓની સંખ્યા વધતી રહેતા પાણીની તંગી વધી રહી છે.
ગ્રીસની પશ્ચિમતળ બધુભૂશિર પર આવેલા કેસેન્ડ્રાની ૧૭૦૦૦ની વસતી ઉનાળામા ૬,૫૦,૦૦૦ થઈ જાય છે. તેથી પાણીની ભારે તંગી પડે છે. ત્યાંના મેયર એનેસ્ટા સિયા હાલ્કીપીએ જણાવ્યું હતું કે, આ શિયાળામાં (દ. મેડીટરેયિન વિસ્તારમાં શિયાળુ વરસાદ થાય છે, ભારતની જેમ ઉનાળામાં નહીં) વરસાદ નહીવત થતાં પાણીનો પુરવઠો લગભગ ૩૦ થી ૪૦ ટકા ઘટી ગયો છે.
યુરોપીય યુનિયનની ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસ જણાવે છે કે માત્ર ગ્રીસ જ નહીં પરંતુ બ્લેક સીના સમગ્ર તટ પ્રદેશ વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ વ્યાપી રહી છે જે પશ્ચિમ તરફ ફેલાઈને ગ્રીસને પણ અસર કરે છે.