– નાતાલને બદલે ત્રણ મહિના પછી રીલિઝ થશે
– આમિરના પરફેક્શનના દુરાગ્રહના કારણે પોસ્ટ પ્રોડક્શનના કામમાં અતિશય વિલંબ
મુંબઇ : આમિર ખાનની ફિલ્મ ‘સિતારેં ઝમીન પર’ની સીકવલ આ વર્ષે નાતાલમાં રીલિઝ થાય તેવી સંભાવનાઓ ઘટી ગઈ છે. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન કામ બહુ ધીમું ચાલી રહ્યું હોવાથી ફિલ્મ તેની રીલિઝ ડેટ જાળવી શકે તેમ નથી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમિર ખાન પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો છે. જોકે, તેના આ પરફેક્શનના દુરાગ્રહના કારણે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.
આમિર ફિલ્મની ટીમ પર વધુ બહેતર ગુણવત્તા માટે દબાણ કરી રહ્યો છે. તેના માટે તે રીલિઝ ડેટ સાથે બાંધછોડ કરવા પણ તૈયાર છે. જોકે, ફિલ્મની ટીમ દ્વારા હજુ ુ સુધી આ અંગે સત્તાવાર ઘોષણા કરાઈ નથી. પરંતુ, ટીમના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે ફિલ્મ આગામી નાતાલ વખતે રીલિઝ થઈ શકે તેવી શક્યતાઓ ધૂંધળી થઈ ચૂકી છે.
‘લાલસિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા પછી આમિર લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ મૂળ સ્પેનિશ ‘ચેમ્પિયન’ની રીમેક છે. અગાઉ મુખ્ય રોલ માટે સલમાન ખાન અને બાદમાં ફરહાન અખ્તરનો સંપર્ક કરાયો હતો. પરંતુ, કોઈ મેળ ન પડતાં આખરે આમિર ખુદ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.