અકસ્માતનાં પગલે કલાકો સુધી વાહનોની લાંબી કતારો ટાફિક કલીયર કરાવતા પોલીસ હાંફી ગઈ : માધાપર નજીક ઘંટેશ્વર પાસે રીક્ષાની પાછળ 2 કાર અને જીપ અથડાયા : ગાંધી સોસાયટી પાસે હીટ એન્ડ રનમાં દાદી – પૌત્રી ઘવાયા
રાજકોટ, : રાજકોટનાં સીમાડા સાથે જોડાયેલા વિસ્તારોમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતુ રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રિના અહી બેડી ચોકડી નજીક બસની ટક્કરે ટ્રક ઉંધો વળી જતાં કલાકો સુધી ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. રાત્રિનાં બનાવ બાદ આજે સવારે બેડી ચોકડી નજીક ટ્રાફીક કલીઅર કરવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. કલાકો બાદ માધાપર ચોકડીથી બેડી ચોકડી, બેડી માર્કેટ યાર્ડતી બેડી ચોકડી, બેડી ચોકડીથી ગ્રીન લેન્ડ ચોકડી અને બેડી ચોકડીથી અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર કલાકો સુધી કતારોમાં ઉભા રહેલાં વાહનો આગળ વધી શક્યા હતાં. ટ્રાફિક કલીઅર થતાં વાહન ચાલકોને રાહત થઈ હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રિનાં રાજકોટથી એસટી બસ મોરબી તરફ જઈ રહી હતી. જયારે ટ્રક મોરબીથી ચોટીલા તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે ટર્ન લેતા જ બેડી ચોકડીએ ધડાકા ભેર બસ ટ્રક સાથે અથડાતા રસ્તાની વચ્ચોવચ્ચ ટ્રક આડો પડી ગયો હતો. એસટી બસમાં બેઠેલા કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા પણ થઈ હતી. અકસ્માત બાદ રસ્તા ઉપર આડા પડેલા ટ્રકને હટાવવા માટે સવારે ક્રેઈન મગાવવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા રાજકોટ પોલીસના ટ્રાફિક પોલીસની પાંચ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રસ્તામાં આડો ટ્રક પડી ગયો હોવાને કારણે તેને રસ્તા પરથી હટાવવામાં ૨૫થી વધુ પોલીસને કામે લગાડવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક કલીઅર થતાં વાહન ચાલકોને રાહત થઈ હતી.
બીજા બનાવમાં જામનગર રોડ ઉપર માધાપર નજીક આજે સવારે રીક્ષા ચાલકે જમણી બાજુ વળાંક લેતા તેની પાછળ થાર જીપ, ઈકો અને તેની પાચળ આવતી કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટના સ્થળે અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતાં. આ ઘટના અંગે ગાંધી ગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં માધાપર ચોકડી નજીક ગાંધી સોસાયટી પાસે હીટ એન્ડ રનની ઘટનામાં દાદી પૌત્રી ઘવાયા હતાં. અહીનાં દૂધ સાગર રોડ ઉપર રહેતા યાસીનભાઈ નાઝીરભાઈ ટોળા (ઉ.વ. 44) પોતાની કારમાં માતા રઝીયાબેન (ઉ.વ. 60) અને દિકરી યામીના (ઉ.વ. 16) ને બેસાડી પોતાનાં સગાને ત્યાંથી પરત પોતાના ઘેર જઈ રહ્યાં હતા ત્યારે ગાંધી સોસાયટીનો ઢાળ કાર ચડી રહી ત્યારે જામનગર તરફથી આવતી ઈકો કારનો ચાલક સ્વીફટ કારને ટક્કર મારી નાસી ગયો હતો. જેમાં રઝીયાબેન અને તેની પૌત્રી યામીનાને ઈજા થઈ હતી. તેથી સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ ઈકો કાર ચાલક નાસી જતાં ગાંધીગ્રામ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.