Vadodara News : વડોદરામાં દશામાના વ્રતની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાતે વ્રતના છેલ્લા દિવસે રાજમહેલ રોડ પર એક મકાનનો ત્રીજા માળનો ભાગ ધરાશાય થતા પરિવારનો થયેલો બચાવ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.
રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચા સામે વેરાઈ માતા ચોકમાં એક જૂના મકાનમાં માધવીબેન પટેલ તેમના પુત્રને પુત્રી સાથે રહે છે. દશામાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી વ્રત કરતા માધવીબેન ગઈકાલે રાતે પૂજા આરતી કરી માંજલપુર ખાતે દશામાની આરતી કરવા ગયા હતા. ઘરમાં તેમનો પુત્ર સોફા પર બેઠો હતો જ્યારે પુત્રી ક્લાસમાં ગઈ હતી.
આ વખતે અચાનક મકાનના લાકડાના પીડિયામાંથી અવાજ આવતાં સોફા પર બેઠેલો યુવક ચોંક્યો હતો અને બહાર છજામાં દોડી ગયો હતો. મકાન તૂટવા માંડતા યુવક હિંમત કરી ફરી રૂમમાં ગયો હતો અને દશામાની મૂર્તિ લઈ બહાર આવી ગયો હતો.
જેવો તે રૂમમાંથી નીકળ્યો તે સાથે જ રૂમનો આખો ભાગ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. અત્યંત ભરચક અને અવરજવરથી સતત ધમધમતા ઉપરોક્ત વિસ્તારમાં બનાવ બન્યો ત્યારે કોઈ જ વ્યક્તિ નીચે હાજર નહીં હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.
આમ દશામા એ વિદાય લઈ રહ્યા હતા તે જ વખતે આખા પરિવારનો અદભુત બચાવ થયો હતો.