Erosion of Public Trust in Election Fairness Globally: વિશ્વભરના દેશોમાં મતદારોને ચૂંટણીની નિષ્પક્ષતા પર વિશ્વાસ નથી રહ્યો, આ વર્ષે જ અમેરિકા, ભારત, બ્રિટેન અને યુરોપિયન યુનિયનના દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચિંતાજનક છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સ (IDEA) દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં મતદારોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમને ચૂંટણી નિષ્પક્ષ અને પાદર્શી યોજાશે તેના પર વિશ્વાસ નથી રહ્યો. સરવેમાં અમેરિકા, ભારતના મતદારોનો પણ સમાવેશ કરાયો છે.
આ રિપોર્ટને તૈયાર કરવા માટે 19 દેશોના મતદારોનો સમાવેશ કરાયો હતો, જેમાં ભારત અને અમેરિકા સહિત 11 દેશોમાં અડધાથી પણ ઓછા લોકો માને છે કે તાજેતરની ચૂંટણી નિષ્પક્ષ હતી, માત્ર ડેનમાર્ક એવો દેશ છે જ્યાં મતદારો માને છે કે કોર્ટો હંમેશા નિષ્પક્ષ હોય છે. 19
માંથી 18 દેશોમાં અડધાથી વધુ લોકો કોર્ટોની નિષ્પક્ષતાને શંકાસ્પદ માને છે. ન્યાય વ્યવસ્થામાં ઇરાકના નાગરિકોનો વિશ્વાસ અમેરિકાના નાગરિકો કરતા વઘુ જોવા મળ્યો છે. 19માંથી 8 દેશોના મોટાભાગના મતદારોએ કહ્યું હતું કે તેઓ એક એવો મજબૂત નેતા ઈચ્છે છે કે જે ચૂંટણી કે સંસદના બંધનોમાં બંધાયેલો ના હોય. એક મજબૂત નેતાની ઈચ્છા વ્યક્ત કરનારાઓમાં ભારત અને તંજાનિયાના
લોકો સૌથી વધુ હતા.
સરવે મુજબ મોટાભાગના મતદારો લોકતાંત્રિક સંસ્થાઓની સ્થિતિથી ખુશ નથી, અનેક દેશોમાં લોકશાહીની સ્થિતિ સારી નથી રહી, અમેરિકામાં આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ફરી એક વખત ટક્કર જોવા મળશે. 2020માં પણ બંન્ને વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ સરવેમાં અમેરિકાના 47 ટકા મતદારો માને છે કે દેશની ચૂંટણી પ્રક્રિયા વિશ્વસનીય છે. તેવી જ રીતે જૂનમાં યૂરોપીય સંઘની ચૂંટણી થવાની છે, અને આ વખતે દક્ષિણપંથી એટલે કે જમણેલી વિચારધારા ધરાવતા પક્ષો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જો યૂરોપીય સંસદમાં તેમની તાકાત વધી જશે તો જળવાયું પરિવર્તન તેમજ સ્થળાંતર સાથે જોડાયેલી નીતિઓથી લઈને રશિયા સામે યૂક્રેનના યુદ્ધમાં મદદ જેવા નિર્ણયોને અસર કરી શકે છે. સરકારોથી અસંતુષ્ટ લોકો પર આ સર્વે જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.
19 દેશોના નાગરિકો સાથે વાતચીત બાદ આ સરવે તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામેલ સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા ઉપરાંત બ્રાઝિલ, ચિલી, કોલંબીયા, ગાંબિયા, ઇરાક, ઇટાલી, લેબનોન, લિથુઆનિયા, પાકિસ્તાન, રોમાનિયા, સેનેગલ, સિએરા લિયોન, દક્ષિણ કોરિયા અને તંજાનિયાનો પણ સમાવેશ કરાયો હતો. 17 દેશોમાંથી માત્ર અડધા દેશના નાગરિકો જ પોતાની સરકારથી ખુશ છે. એટલે કે બાકીના દેશોના નાગરિકો સરકારથી ખુશ નથી. આ સર્વે એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીને હવે એક સપ્તાહનો જ સમય બાકી રહ્યો છે જ્યારે વર્ષના અંતે અમેરિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીની નિષ્પક્ષતા પર વિશ્વભરમાં સવાલો ઉઠ્યા હતા.