ક્રાઈમ બ્રાન્ચે 5 લૂંટારુઓની કરી ધરપકડ
વેપારીને દુકાનમાં છરી બતાવી ચલાવી હતી લૂંટ
મોબાઈલ, રોકડ સહિત 3 લાખની કરી હતી લૂંટ
અમદાવાદમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. શહેરના પાલડીમાં વેપારીની દુકાનમાં ફિલ્મી સ્ટાઈલમાં કરેલી લૂંટના ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે. વેપારીને છરી બતાવીને 5 લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી અને બુકાની ધારી લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચે આ 5 લૂંટારૂઓની ટોળકીની ધરપકડ કરી લીધી
ત્યારે આ લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને ક્રાઈમ બ્રાન્ચે આ 5 લૂંટારૂઓની ટોળકીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા 5 લૂંટારૂઓ ભચાઉના રહેવાસી છે અને પાંચેય લૂંટારૂઓ સામે અગાઉ પણ ચોરી, મારામારી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે પાલડી વિસ્તારમાં લૂંટારૂઓએ મોબાઈલ, એક્ટિવા અને રોકડ સહિત 3 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને હવે આ તમામ લૂંટારૂઓ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે અને ક્રાઈમ બ્રાન્ચે પાંચેય લૂંટારૂઓની ધરપકડ કરીને લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અગાઉ એલિસબ્રિજ લૂંટનો ભેદ ઉકેલાયો હતો, પોલીસે આરોપીઓ પાસેથી 35 લાખ રિક્વર કર્યા હતા
થોડા દિવસ અગાઉ જ અમદાવાદમાં એલિજબ્રિજ પાસે થયેલી એક લૂંટનો ભેદ ઉકેલાયો હતો. એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 40 લાખ લૂંટી લેવામાં આવ્યા હતા, આ મામલે પોલીસને મોટી સફળતા મળી હતી અને લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે ધોળા દિવસે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં જ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવમાં આવ્યો હતો. જે આરોપીઓએ લૂંટ કરી હતી, તે બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેથી રૂપિયા 35.56 લાખ રિક્વર કર્યા હતા. જો કે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 40 લાખની લૂંટ આરોપીઓએ કરી હતી.
અમરેલીમાં ધોળા દિવસે લૂંટની ઘટના, પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને ઝડપ્યા
અમરેલી શહેરમાં નાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં 15 જુલાઈએ ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી, ત્યારે આ ઘટનામાં 4 ઈસમોને ગણતરીની કલાકોમાં અમરેલી LCB ટીમે પકડી પાડ્યા હતા. જુના માર્કેટ યાર્ડ સામે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં અજાણ્યા લોકો પહોંચ્યા હતા અને સિમેન્ટની થેલી લેવાનું કહીને વલ્લભભાઈને અંદર લઈ ગયા હતા અને દુકાનના કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી.