Railway Booking Office Vadodara :વડોદરા શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરી અહીં હેરિટેજ સ્ક્વેર બનાવવાના આયોજન અંતર્ગત ઈમારત દૂર કરવાની તજવીજ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ 16 એપ્રિલથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. જેથી અહીં બુકિંગ કરાવવા આવનાર મુસાફરોને હાલાકી વેઠવી પડશે.
શહેરની મધ્યમાં હેરીટેજ સ્ક્વેર બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સીટી તરીકેની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે. આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી, બિનસરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટેની નોટિસ પાઠવાઈ ચૂકી છે. જે અંતર્ગત પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલ રેલવે બુકિંગ ઓફિસ આગામી તારીખ 16 એપ્રિલને મંગળવારથી બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેનીય છે કે, રેલવે તંત્ર દ્વારા હાલ ઓનલાઈન બુકિંગ સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ હોવાથી તથા અહીંના બુકિંગ સેન્ટર ખાતે એજન્ટો સિવાય અન્ય ખાસ કોઈ મુસાફર ટ્રેનની ટિકિટના બુકિંગ અર્થે આવતા ન હોવાનું મનાઈ રહ્યું છે.