IND vs SL: સૂર્યકુમાર યાદવને T20 માટે ભારતીય ક્રિકેટ ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા પ્રવાસથી આવ્યા બાદ તે આ જવાબદારી સંભાળશે. 

સૂર્યકુમાર T20 ક્રિકેટ માટેનો નવો કૅપ્ટન છે જ્યારે IPL વખતના તેના ભૂતપૂર્વ સાથી ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ છે. ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો પણ આ પ્રથમ પ્રવાસ છે. ગૌતમ ગંભીર 2014 IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન હતા ત્યારે સૂર્યકુમાર યાદવ તે ટીમનો ભાગ હતો.

શ્રીલંકા પ્રવાસની પ્રથમ મેચ શનિવારે રમાશે, તે પહેલાં સૂર્યકુમાર યાદવનો એક વીડિયો BCCIએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર અપલોડ કર્યો છે. જેમાં સૂર્યકુમાર યાદવ એક ફિલ્મી ડાયલૉગ બોલતો સંભળાય છે.

BCCIની મીડિયા ટીમે સૂર્યકુમાર યાદવ સાથે તેની કૅપ્ટનશિપ, રમત અને કોચ ગૌતમ ગંભીર સાથેના તેના સંબંધો ઉપર ટ્રેનિંગ સેશન પહેલાં વાતચીત કરી હતી. આ દરમિયાન સૂર્યકુમારે ચર્ચાની શરુઆતમાં જ કહ્યું હતું કે, ‘દૌલત હૈ, શોહરત હૈ, ઇજ્જત હૈ?’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

BCCIએ તેના એક્સ હેન્ડલ પર સૂર્યકુમાર સાથેની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર પણ મસ્તીના મૂડમાં દેખાય છે. વીડિયોની શરુઆતમાં તે કહે છે, “સૌથી પહેલાં તો હું કહેવા માંગુ છું કે દિલીપ સર શોટ મારી રહ્યા છે, તેથી આપણે દૂર ખસવું જોઈએ.” આમ કહીને સૂર્યકુમાર યાદવે કેમેરામેનને દૂર ખસવા કહ્યું હતું. ત્યાર પછી તેણે મજાકના સૂરમાં ફિલ્મી ડાયલોગ કહ્યો હતો કે ‘દૌલત હૈ, શોહરત હૈ, ઇજ્જત હૈ?’ ત્યાર બાદ તે હસવા લાગ્યો હતો.

ગંભીર અંગે શું કહ્યું?

ગંભીર સાથેના તેના સંબંધો વિશે વાત કરતાં સૂર્યકુમારે કહ્યું હતું કે, ‘આ સંબંધ ખૂબ જ અદ્ભુત છે. જ્યારે હું 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સમાં હતો ત્યારે હું તેઓની કૅપ્ટન્સી નીચે રમ્યો હતો. તે સમય ખાસ હતો કારણ કે ત્યાં મને રમવાની તક મળી અને પછી હું આગળ વધ્યો. તમે 10 ડગલાં ચાલો અને સામેની વ્યક્તિ 10 ડગલાં ચાલે. અમારો સંબંધ એવો જ હતો અને હજુ પણ એવો જ છે. ગંભીર સારી રીતે જાણે છે કે હું કેવી રીતે કામ કરું છું. જ્યારે હું પ્રેક્ટિસમાં આવું છું ત્યારે મારી માનસિકતા શું હોય છે. હું એ પણ જાણું છું કે તે કોચ તરીકે કેવી રીતે કામ કરે છે. અમારા બંને વચ્ચે સારા સંબંધો છે. તે અદ્ભુત છે અને તેમની સાથે કામ કરવાની આ એક સારી તક છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *