Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજ્યમાં એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકટો બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજપૂત સમાજના આગેવાન ભાજપમાં જોડાયા છે. આજે (સોમવાર) બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ડી.ડી. રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસ નેતાના કેસરિયા
બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ડી.ડી રાજપૂત, પ્રમુખ યુથ કોંગ્રેસ અલ્પેશ જોષી, રામાજી રાજપૂત, બનાસકાંઠા યુથ કોંગ્રેસ જિલ્લા મહામંત્રી ધર્મસિંહ દરબાર સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને વિજયી બનાવવામાં રાજપૂત સમાજના મત નિર્ણાયક છે, ત્યારે ડી.ડી. રાજપૂત ભાજપમાં જોડાતા ગેનીબેનને નુકસાન થઈ શકે છે.
લીમખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણીનાં પ્રચારને લઈને આજે દાહોદના ઝાલોદ ખાતે ભાજપના તમામ બુથ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના અનેક કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. પૂર્વ IAS, IPS, કલાસ વન અધિકારીઓ તેમ જ પૂર્વ પોલીસકર્મી ભાજપમાં જોડાયા હતા. માહિતી અનુસાર, લીમખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બી.એમ.ગોંદિયા અને તેમના પરિવારે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે
ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત્ છે. ગુજરાત સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે થયેલી બેઠક નિષ્ફળ ગઈ હતી. ક્ષત્રિય નેતાઓ અને મહિલાઓની એક જ માગ છે કે, રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે. ક્ષત્રિયોને માફી મંજૂર નથી. આ સ્થિતિમાં રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16મી એપ્રિલ 2024ના રોજ પરશોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભા સંબોધશે.